મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાનું બીલ પાસ થઈ ગયા બાદ અપેક્ષા મુજબ જ ગુજરાતમાં પાછલા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે કહ્યું કે આગામી દિવસોમાં પાટીદાર અનામતની માંગને વધુ મજબૂતાઈ આપવા માટે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાટણ ખાતે ઉત્તર ગુજરાતના કન્વિનર-સહ કન્વીનરોની આજે બેઠક યોજાઈ હતી..મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપતા સરકારે આજે વિધાનસભામાં બિલ પસાર કર્યું. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની લડાઈ વધુમાં વધુ મજબૂત બને એ હેતુથી આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું મહિલા સંમેલન યોજાશે.
હાર્દિક પટેલ અને આંદોલન સમિતિ દ્વારા પાછલા સાડા ત્રણ વર્ષથી અનામત માટે આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે માંડ હમણા સરવે કરવાની વાત જાહેર કરી છે. હાર્દિક પટેલ અને સમિતિએ ગુજરાતના ઓબીસી કમિશનને મળી પાટીદાર અનામત અંગે 11 પાનાનો મુસદ્દો પણ આપ્યો હતો.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને ભાજપની જ સરકારે અનામત આપતા ગુજરાતની ભાજપ સરકાર ભીંસમાં મૂકાઈ જવા પામી છે. ભાજપ સરકારે અગાઉ બંધારણના ઓથા હેઠળ અનામત આપવાની માંગ ફગાવી હતી અને ભાજપને એકુએક નેતાએ પાટીદારને કોઈ પણ કાળે અનામત મળી શકે એમ નથી, એવું કહ્યું હતું, અનામત નહીં મળવાનું કહેનારા નેતાઓની યાદી પણ હવે પછી તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાટીદારોને અનામત નહીં મળે તેવું કહેનારા નેતાઓમાં પ્રથમ તબક્કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અનેક નામો આવી શકે છે. આંદોલન સમિતિ હવે આ નેતાઓ સામે અનામતનો મુદ્દો ફરી રજૂ કરશે અને આંદોલનને મજબૂતાઈ આપવા આગળ વધી રહ્યા છે.