પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનકારી હાર્દિક પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અને પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ધેરાવ કરવાની જાહેરાત કરી હતી.
આજે ધોરાજી ખાતે સમિતિની બેઠક મળી હતી. હાર્દિક પટેલે અગાઉ માંગ કરી હતી કે પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે અને તે પ્રમાણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતુ કે સરવે કરવામાં આવશે. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાત ઓબીસી કમિશનને પાટીદારોનો સરવે કરવા માંગ કરી હતી.
ધોરાજી ખાતે હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ખાનગી બીલ રજૂ કરવામાં આવે તે માટે પરેશ ધાનાણીના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. અત્રે યાદ રહે કે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર સમાજને ઓબીસી હેઠળ અનામત આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસને વાયદો યાદ દેવડાવવા માટે હાર્દિક પટેલે પરેશ ધાનાણીનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. પાંચમી ડિસેમ્બરે અમરેલીમાં ધાનાણીનો ધેરાવ કરવામાં આવશે.
હાર્દિકે આ ઉપરાંત સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલ મૂક્તિની માંગને દોહરાવી હતી. અલ્પેશને અમદાવાદના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા છે પણ સુરતના રાજદ્રોહના કેસમાં અલ્પેશની ધરપકડ કરવામાં આવી છે.