Gym Teacher Protest: 15 વર્ષથી કાયમી ભરતીની રાહમાં વ્યાયામ શિક્ષકો, ગાંધીનગરમાં આંદોલનનો 25મો દિવસ
Gym Teacher Protest : છેલ્લા 15 વર્ષથી કાયમી નોકરીની રાહ જોઇ રહેલા વ્યાયામ શિક્ષકોનું આંદોલન હવે 25માં દિવસે પ્રવેશ્યું છે. આજે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા શિક્ષકોને પોલીસે અટકાયત કરી લીધી હતી. આંદોલનકારી શિક્ષકો સરકારે ખેલ સહાયક યોજના અમલમાં મુકી હોવા છતાં પણ કાયમી ભરતી ન કરતા નારાજ છે.
શિક્ષકોએ ધારણા દરમિયાન યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર જેવા શારીરિક અભ્યાસ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનમાં સામેલ કેટલાક શિક્ષકોએ પોતપોતાની ડિગ્રી વેચવા કાઢી હતી અને નોકરી ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી.
શિક્ષકોએ દાવો કર્યો છે કે ખેલ સહાયક યોજના માત્ર 11 માસ માટેના કરાર પર આધારિત છે અને તેમાં સ્પષ્ટ નિયમોનો અભાવ છે. પરિણામે બાળકોના રમતગમત ક્ષેત્રે સતત વિકાસ શક્ય નથી. તેમના મતે, યોજનાની માહિતી ઘણા અધિકારીઓને પણ યોગ્ય રીતે આપવામાં આવી નથી.
શિક્ષણમંત્રી સાથે બેઠક, સરકાર તરફથી આશાસ્પદ સંકેત
આ મુદ્દે આજે ક્રીડા ભારતી ગુજરાતના પ્રાંત અધ્યક્ષ વિવેક પટેલની આગેવાનીમાં પદાધિકારીઓએ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર સાથે બેઠક કરી હતી. મંત્રીએ સરકાર આ મુદ્દે હકારાત્મક અભિગમ ધરાવે છે તેમ જણાવ્યું હતું અને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.
શિક્ષકોને વર્ષના ચાર મહિના બેરોજગાર રહેવું પડે છે
શિક્ષકોએ એવી પણ ફરિયાદ કરી છે કે તેમને વર્ષમાં માત્ર 8 મહિના માટે નોકરી મળે છે અને બાકી 4 મહિના માટે ઘરે બેસવું પડે છે. તેમણે માંગ કરી છે કે છેલ્લે લેવાયેલી ખેલ અભિરુચિ કસોટીને આધારે કાયમી ભરતી કરવામાં આવે.
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામને પત્ર લખ્યો
વિશેષતા એ રહી કે રામનવમીના દિવસે વ્યાયામ શિક્ષકોએ ભગવાન શ્રીરામને પત્ર લખીને તેમની પડતર માંગ – કાયમી ભરતી –ને “વનવાસ” સમજી તે પૂરો કરવા અપીલ કરી હતી. ત્યારબાદ તેમણે પોતાની શૈક્ષણિક લાયકાત દર્શાવતી ડિગ્રી 500 થી 1000 રૂપિયા સુધીના ભાવમાં વેચવા કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષકોએ સ્પષ્ટ કર્યુ છે કે, જ્યાં સુધી સરકાર કાયમી ભરતી અંગે સ્પષ્ટ નીતિ સાથે આગળ નહીં આવે ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખશે.