ગુજરાતમાં ચૌરેને ચૌટે કરપ્શનનો ટોપિક હોટ બની જાય છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મામલે ઝીરો ટોલરેન્સની વાત હતી અને અધિકારીઓ કાબૂમાં રહ્યા હતા ત્યાર બાદ આનંદીબેન પટેલના રાજમાં પણ ભ્રષ્ટાચાર પર કંઈક અંશે કાબૂ મેળવાયો હતો પરંતુ રૂપાણી સરકારમાં તો ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી છે. આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ ભ્રષ્ટાચારમાં 1200 ટકાનો વધારો થયેલો જણાઈ આવી રહ્યો છે.
ગુજરાતમાં સ્થિતિ એ છે કે પોઝીટીવ અને જેન્યુઈન કામ કરવા માટે પણ ફાઈલ દીઠ ટેબલ નીચેનો વ્યવહાર કરવો પડે છે. નાના કે મોટા કોઈ પણ કામ માટે રૂપિયા આપો તો જ આગળની કાર્યવાહી થાય છે. કોઈ પણ ખાતાની ફાઈલ ઉઠાવીને જોઈ લો તો માલૂમ પડશે કે ગુજરાતનું વહીવટી તંત્ર ભ્રષ્ટાચારના ભોરીંગમાં ખીચોખીચ થઈ ગયું છે. વારેછાશવારે અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ-રૂશ્વત વિરોધી દળના હાથે સપડાઈ રહ્યા છે. પાછલા વર્ષની વાત કરીએ તો ઓછામાં ઓછા 500 અધિકારીઓ અને કર્મચારીઓ લાંચની ટ્રેપમાં સપડાઈ ચૂક્યા છે. આ તો સપાટી પર આવેલા કેસ છે. પરંતુ હાઈપ્રોફાઈલ કરપ્શનને અટકાવવા માટે ગુજરાત સરકરા ઊણી જ નહી પણ નિષ્ફળ નિવડી હોવાનું કહી શકાય એમ છે.
હાઈપ્રોફાઈલ કરપ્શનમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આજે ગુજરાત સરકારમાં ત્રણ તગડાનો રાજ ચાલે છે. દરેક ફાઈલ પર બે સનદી અધિકારી અને એક મંત્રીના અંગત માણસની સીધી દોરવણી હેઠળ કામ કરવામાં આવે છે. જો ત્રણ જણા નાખુશ તો કામ થશે નહીં. આવા તો હાઈપ્રોફાઈલ કરપ્શનમાં આજદિન સુધી કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારી પકડાયા નથી. સરકારો સનદી અધિકારીઓથી ડરીને કામ કરે છે કે પછી તેમને સાથે રાખીને કામ કરે છે તે સમજવાનું રહ્યું.
ગુજરાતમાં રૂપાણી સરકારના ગાળા દરમિયાન ફાલેલા ભ્રષ્ટાચારની ફરીયાદો એટલી બધી વધી ગઈ છે કે પંચાયતથી લઈ છેક ગાંધીનગર સુધી ફરતી રહેતી ફાઈલોમાં સામાન્ય માણસનું કોઈ ગજું નથી કે આવા પ્રકારના વહીવટદારો સાથે પનારો પાડે. રૂપાણી સરકારની નિષ્ફળતા ગણાવાની રહે છે તો સાથો સાથ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત સરકારને રિમોટ કન્ટ્રોલ બનાવી દેવાની કોશીશ પણ આમાં કારણભૂત માની શકાય છે.
બીજી મહત્વની વાત એ છે કે નોન એગ્રીકલ્ચર સર્ટીફિકેટની સત્તા તલાટી અને મંત્રીઓ પાસેથી આંચકી લઈ સીધા કલેક્ટરના હાથમાં આપી દેવામાં આવી છે. આ કઈ જાતનું રાજ છે. જ્યાં વિકેન્દ્રીયકરણની પોલિસી ચાલી રહી છે ત્યાં કેન્દ્રીયકરણ કરી છેવાડા ગામના લોકોને શહેર સુધી ધક્કા ખાવાનો ધંધો મંડાયો છે. ગાંધીજીએ પંચાયતી રાજની કલ્પના કરી હતી અને પંચાયતોને સ્વતંત્ર કરવા સારું અનેક યોજના અને પોલિસી બની, નિયમો બન્યા પણ રૂપાણી સરકારે તો પંચાયતી રાજની સમૂળગી વ્યાખ્યા જ બદલી નાંખી છે. એક રીતે કહીએ તો પંચાયતી રાજનો મૃત્યુઘંટ વગાડવાનો જ પ્રયાસ કરાયો છે.