ગાંધીનગરઃ પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં પેપર લેસ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. હવે ત્રીજી માર્ચ એટલે કે આજે બુધવારે ગુજરાત સરકારના નાણાંમંત્રી અને ડિપ્યુટી સીએમ નીતિન પટેલ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી નીતિન પટેલ પેપર લેશ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તેઓ નવમી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે બજેટની વિગતો ગુજરાતના અને દેશના દરેક નાગરિકને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકારે એક એપ (Budget App) પણ લોન્ચ કરી છે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે.
નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ અંગે જણાવ્યું હતું કે, તેઓ પ્રજા લક્ષી બજેટ રજૂ કરવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ ભાજપની સરકારમાંનો પ્રજાજનોનો વિશ્વાસ વિશ્વાસ બુલંદ બને તે માટેના પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતના સર્વ વ્યાપી વિકાસને કેન્દ્રમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવશે.
વિશેષજ્ઞોના મતે, નીતિન પટેલ આ વર્ષનાં અંદાજપત્રમાં મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગમાં વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જાહેર કરે તેવી સંભાવના છે.
નરેન્દ્ર મોદી 2001-02માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી નીતિન પટેલ નાણાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. ત્યારબાદ આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેમણે નાણાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. છેલ્લે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેમને નાણાં મંત્રી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.