ગાંધીનગર—ગુજરાતમાંથી ગયેલા શ્રમિકોની સંખ્યા વધતી જાય છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે સત્તાવાર રીતે 3.95 લાખ શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં મોકલ્યા છે. આટલી મોટી સંખ્યામાં વતન ગયેલા શ્રમિકો ક્યારે પાછા આવશે તે નિશ્ચિત નથી. સરકાર પાસે પણ તેનો કોઇ જવાબ નથી. સમગ્ર ભારતમાં 9.85 લાખ જેટલા શ્રમિકોએ સ્થળાંતર કર્યું છે જેમાં ગુજરાતના 3.95 લાખનો સમાવેશ થાય છે.
જો કે ગુજરાતમાંથી સરકારે એરેન્જમેન્ટ કર્યા પહેલાં એક લાખ જેટલા શ્રમિકો તેમની રીતે વતન જતા રહ્યાં છે જે પૈકી હજારો લોકે પગપાળા તેમના વતન ગયા છે. આજે પણ સરકાર પાસે શ્રમિકોનો ચોક્કસ આંકડો નથી.
ગુજરાતના વિવિધ સેક્ટરો સાથે સંકળાયેલા શ્રમિકો તેમના વતન ગયા છે ત્યારે કેટલાક એવું કહે છે કે અમે પાછા આવવાના નથી. કોરોના સંક્રમણના સંકટમાં અમને ગુજરાતના કેટલા ઉદ્યોગજૂથોનો ખરાબ અનુભવ થયો છે. રાજ્યમાં સૌથી વધુ શ્રમિકો ખેતીવાડી સેક્ટરમાં છે, બીજાક્રમે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. એ ઉપરાંત રાજ્યના વિવિધ સેક્ટરોમાં તેમની ઉપસ્થિતિ હોય છે. સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ દેશભરના શ્રમિકો રોજીરોટી મેળવવા આવતા હોય છે. અત્યારે સુરત પણ ખાલી થયું છે.