gujarat weather forecast: ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનની શક્યતા: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી કે 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને પવનનું જોર રહેશે
19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી હવામાન અનિશ્ચિત રહેશે, 23 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદની સંભાવના
અમદાવાદ, શનિવાર
gujarat weather forecast: હિમાલય વિસ્તારમાં નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન પરિવર્તન: 17-19 ફેબ્રુઆરીએ પવન અને વાદળછાયું વાતાવરણ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે આગાહી કરતા જણાવ્યું છે કે 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 18 થી 20 કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાત તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પવનનું જોર વધુ રહેશે.
કૃષિ પર તેની સીધી અસર પડવાની શક્યતા
જીરા અને ઘઉંના પાક માટે આ પરિવર્તન પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને ગરમીના અચાનક વધારા-ઓછાવાના કારણે ઘઉંના પાકને નુકસાન થઈ શકે છે.
ઉત્તર ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા
17 ફેબ્રુઆરીએ હિમાલય વિસ્તારમાં એક નવું વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે: 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા છે. 19 અને 20 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં, 18 થી 20 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં, અને 20 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ થવાની સંભાવના છે.
પૂર્વોત્તર રાજ્યો જેમ કે સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 20 ફેબ્રુઆરી સુધી હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાત માટે આગાહી: 19 ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં તાપમાન વધવાનું શરૂ થઈ શકે છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી હવામાન અનિશ્ચિત અને પલટા વાળું રહેવાની શક્યતા છે, જેથી લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે.
આ ઉપરાંત, 23 ફેબ્રુઆરીથી મહિનાના અંત સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતો અને નાગરિકોએ આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખી યોગ્ય પગલાં ભરવા અનુરોધ કરવામાં આવે છે.