Gujarat Science City : ગુજરાતનું ગૌરવ સાયન્સ સિટી: જ્યાં વિજ્ઞાન અને ટેક્નોલોજી જીવંત બને છે
Gujarat Science City : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121માં એપિસોડ દરમિયાન ગુજરાતની વિજ્ઞાનિક ધરોહર — અમદાવાદ સ્થિત સાયન્સ સિટીની વિશિષ્ટ રીતે પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આજના યુવાનોમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન પ્રત્યે વધતી રુચિ દેશના ઉજ્જવળ ભવિષ્યનું સંકેત છે. તેમણે દંતેવાડા જેવા દૂરસ્થ વિસ્તારોમાં ખીલી રહેલા વિજ્ઞાન કેન્દ્રોની પણ ચર્ચા કરી અને સાથે ગુજરાતની સાયન્સ સિટીને વૈજ્ઞાનિક સજાગતાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે તેમણે થોડાં સમય પહેલા અમદાવાદ સાયન્સ સિટીમાં નવી સાયન્સ ગેલેરીઝનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંના પ્રદર્શનો અને ગેલેરીઓથી ઝલકે છે કે આધુનિક વિજ્ઞાન માનવ જીવનમાં કેટલા પરિવર્તન લાવી શકે છે. બાળકો અને યુવાનોમાં આ ગેલેરીઝને લઈને જોવા મળતો ઉત્સાહ ભારત માટે નવી સંભાવનાઓના દરવાજા ખોલે છે.
સાયન્સ સિટીની સ્થાપનાથી શરૂ થયેલી વિજ્ઞાનયાત્રા
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સંકલન હેઠળ, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ ઉભી કરવા માટે 10 ઓગસ્ટ 1999ના રોજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) ની સ્થાપના થઈ. માત્ર બે વર્ષના ઓછા ગાળામાં, 2001-02માં સાયન્સ સિટીની પ્રથમ તબક્કાની શરૂઆત થઈ હતી.
આ તબક્કામાં દેશના સૌપ્રથમ IMAX 3D થિયેટરનો ઉદ્ઘાટન થયું, જ્યાંથી લોકોને વૈજ્ઞાનિક વિષયો અને કુદરતી ચમત્કારોનું ભવ્ય અને જીવંત અનુભવ મળ્યો. ઉપરાંત, ‘હોલ ઓફ સાયન્સ’, ‘હોલ ઓફ સ્પેસ’, ‘એનર્જી એજ્યુકેશન પાર્ક’, ‘લાઈફ સાયન્સ પાર્ક’, ‘પ્લેનેટ અર્થ’ જેવી અનેક અનોખી સુવિધાઓ વિકસાવવામાં આવી, જેને કારણે સાયન્સ સિટી જલ્દીથી વિજ્ઞાન પ્રેમીઓનું એક મુખ્ય આકર્ષણ બની.
વિકાસનો બીજો તબક્કો: નવી ઊંચાઈઓ તરફ
વિશ્વ સ્તરે વિજ્ઞાન કેન્દ્રોની સાથે કદમ મિલાવવા માટે સાયન્સ સિટીના બીજા તબક્કાનો વિકાસ શરૂ થયો. 16 જુલાઈ 2021ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે નવા પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ તબક્કામાં ખાસ આકર્ષણ તરીકે ઉમેરાયું ભારતનું સૌથી મોટું જાહેર એક્વેટિક ગેલેરી — જ્યાં લોકોને સમુદ્રી જીવસૃષ્ટિની અજાયબી અને વૈવિધ્યતાનું જીવંત દર્શન મળે છે. રોબોટિક્સ ગેલેરી પણ શરૂ થઈ, જેમાં 79 પ્રકારના રોબોટ્સના પ્રદર્શન સાથે, ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિશ્વમાં નવા સપનાઓ જગાવવામાં આવ્યા છે.
અને માત્ર એટલુ જ નહીં, 8 એકર વિસ્તારમાં ફેલાયેલો નેચર પાર્ક પણ સ્થાપવામાં આવ્યો છે, જેમાં બટરફ્લાય ગાર્ડન અને ઈકોસિસ્ટમ મોડેલ્સ દ્વારા પર્યાવરણ અને જીવવિજ્ઞાનની સમજ અપાવવામાં આવે છે.
સાયન્સ સિટીની શૈક્ષણિક સફળતાઓ
સાયન્સ સિટીની સફળતા માત્ર તેની ભવ્ય ઇમારતો અને ગેલેરીઓ પૂરતી સીમિત નથી. 2024માં 2 લાખથી વધુ વિદ્યાર્થીગણ અને કુલ 12 લાખથી વધુ મુલાકાતીઓએ અહીં પધારીને વિજ્ઞાનપ્રેમનો જીવંત અનુભવ લીધો હતો. વર્ષ દરમિયાન 120થી વધુ શૈક્ષણિક કાર્યક્રમો, વર્કશોપ, સેમિનારો અને સ્પર્ધાઓનું આયોજન થયું, STEM ક્ષેત્રે નવી પેઢીનું પ્રેરણાસ્ત્રો સ્થાપ્યા….
સાયન્સ સિટીએ STEM વર્કશોપ માટે IIT ગાંધીનગર અને માઈક્રોન જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જ્યાં રોબોટિક્સ, કોડિંગ, 3D પ્રિન્ટીંગ અને એસ્ટ્રોનોમી જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી છે. 90થી વધુ વર્કશોપ્સમાં 7000થી વધુ વિદ્યાર્થીઓ અને 370 શિક્ષકોને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું છે.
સાથે જ, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ પણ સાયન્સ સિટીના વિકાસ માટે સહકાર આપી રહી છે.
ભવિષ્યના દ્રષ્ટિથી નવી ગેલેરીઝ
સાયન્સ સિટી હાલ પણ સતત વિકાસશીલ છે. હાલ બાંધકામ હેઠળ રહેલી ત્રણ નવી ગેલેરીઓ —
એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી: બ્રહ્માંડના રહસ્યો ખુલશે
હ્યુમન એન્ડ બાયલોજિકલ સાયન્સ ગેલેરી: માનવ શરીર અને જીવવિજ્ઞાનની ઊંડાણપૂર્વકની સમજ
અનલિશિંગ ધ ડિજિટલ ફ્યુચર ગેલેરી: ડિજિટલ ક્રાંતિનો અનુભવ
આ તમામ પ્રોજેક્ટ્સ પૂરાં થયા પછી, સાયન્સ સિટી દેશનું અગ્રણી વૈજ્ઞાનિક અને શૈક્ષણિક કેન્દ્ર બની રહેશે.
ગુજરાતની શાન અને ભારતની શોખ
વડાપ્રધાન દ્વારા ‘મન કી બાત’માં સાયન્સ સિટીના વિશિષ્ટ ઉલ્લેખથી સાબિત થાય છે કે ગુજરાતનો આ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ હવે રાષ્ટ્રીય ગૌરવનું કારણ છે. આ સિદ્ધિ માત્ર એક નિર્માણની કહાની નથી, પણ એક એવા સપનાની સિદ્ધિ છે, જેમાં ભારતના નાગરિકો, ખાસ કરીને યુવાનોને વૈજ્ઞાનિક ચેતના અને નવા વિચારો તરફ પ્રેરણા મળતી રહે છે.
સાયન્સ સિટીનું યથાર્થ છે — આજે વિજ્ઞાનની જગમગતી જ્યોત અને આવતીકાલના ભારતનું શાનદાર સ્વપ્ન.