Gujarat Road Development Projects 2025 : રાજ્યમાં રોડ વિકાસ માટે મુખ્યમંત્રીએ 247 કરોડની ફાળવણી મંજૂર કરી – જાણો કયા શહેરોને મળશે નવો માર્ગ અને સુવિધાઓનો લાભ
Gujarat Road Development Projects 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યભરના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે 247 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ પગલાથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે તેમજ ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે.
રાજ્યભરમાં 188.9 કિમી માર્ગોના કામની સમીક્ષા
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC) દ્વારા રાજ્યભરમાં કુલ 2999.8 કરોડના ખર્ચે રોડ નિર્માણ, વિસ્તરણ અને રિસરફેસિંગ જેવા કામો શરૂ છે. મુખ્યમંત્રીએ આ તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી.
મહત્વપૂર્ણ માર્ગો અને કોરિડોરના કામો
પ્રગતિમાં રહેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ભરૂચ-દહેજ સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભૂજ-ભચાઉ હાઈસ્પીડ રૂટ, કીમ-માંડવી માર્ગનું આધુનીકરણ અને સચાણા ગામ નજીક રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.
સાણંદ ઔદ્યોગિક ઝોનને મળશે મોટો લાભ
મુખ્યમંત્રી એ અમદાવાદથી વિરમગામ-માળીયા માર્ગમાં શાંતિપૂરથી ખોરજ સુધીનો સિક્સ લેન માર્ગ રૂ.800 કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી આપી છે. આ કામગીરીથી સાણંદ જી. આઈ.ડી.સી. અને નજીકના ઉદ્યોગકારોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.
નવા વ્હીકલ અંડરપાસ માટે 76 કરોડની ફાળવણી
વટામણ-પીપળી રૂટ પર શ્રી ભેટડીયા દાદા મંદિર અને પીપળી ગામના સામેથી પસાર થતો માર્ગ, તેમજ ભૂજ-ભચાઉ માર્ગ પર BKT ફેક્ટરી, ધાણેટી, ભદ્રોઇ અને દૂધઈ ગામ પાસે નવા વ્હીકલ અંડરપાસની મંજૂરી આપવામાં આવી છે. આ માટે કુલ 76 કરોડનો ખર્ચ મંજૂર થયો છે.
અંતરાય રહિત પરિવહન માટે પગલાં
આ નવા વ્હીકલ અંડરપાસોની મદદથી સ્થાનિક ટ્રાફિકને લઘુત્તમ અવરોધ સાથે આંતરજિલ્લા વાહનવ્યવહારનો લાભ મળશે અને અકસ્માતની સંભાવના ઘટશે.
નવી યોજના માટે જમીન સંપાદન અને DPR પર ભાર
મુખ્યમંત્રીએ નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે જેવા પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન અને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પ્રક્રિયા ઝડપી કરવા સૂચના આપી છે, જેથી આ યોજનાઓ સમયસર શરૂ થઈ શકે.
ભૂજ-નખત્રાણા માર્ગ અને રિસરફેસિંગ કામોનું પ્રેઝન્ટેશન
GSRDC દ્વારા મુખ્યમંત્રીને રૂ.937 કરોડના ભૂજ-નખત્રાણા માર્ગ અને રૂ.76.65 કરોડના રિસરફેસિંગ કામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.