Gujarat: ગુજરાતભરમાં શરુ થશે વરસાદનો વધુ એક રાઉન્ડ, નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર
Gujarat: બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે Gujarat માં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ મઘ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં ગુરુવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય અન્ય વિસ્તારો માટે યલો ઍલર્ટ જાહેર કરાયું છે તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર
ચોમાસા દરમિયાન પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1,32,221 ક્યુસેક થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી વધીને 138.02 મીટરે પહોંચી છે. જો કે, ડેમની જળસપાટી 138.68 મીટર સુધી પાણી પહોંચે તો જ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થાય. સરદાર સરોવર નર્મદા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખોલી હાલ નર્મદા નદીમાં 46,813 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું?
અંબાલાલ પટેલે કહ્યું કે,બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.’