Gujarat politics: “ગુજરાતમાં ભાજપને હરાવવાની ક્ષમતા માત્ર આમ આદમી પાર્ટીમાં છે” – ઈસુદાન ગઢવીનું નિવેદન
Gujarat politics: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જાગ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠક માટે આવનારી પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઢબંધન તૂટી ગયાનું જાહેર થતા રાજકીય પડઘા પડ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે AAP ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી શક્તિશાળી નિવેદન આપ્યું છે.
“ભાજપને માત્ર AAP જ હરાવી શકે છે” – ઈસુદાન
પત્રકાર પરિષદ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યુ કે, “ગુજરાતમાં ભાજપ સામે સાચી ટક્કર જો કોઈ આપી શકે છે, તો તે માત્ર આમ આદમી પાર્ટી જ છે.” તેમણે કહ્યું કે, વિસાવદર વિધાનસભા વિસ્તારમાં હવે ભાજપ વિરૂદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. “ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હક માટે અમે મજબૂતીથી મેદાનમાં ઊતરીશું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “વિસાવદરમાં જેટલી સમસ્યાઓ છે, તે આજે નહીં પરંતુ લાંબા સમયથી ચાલી રહી છે. આપણાં ઉમેદવારની જાહેરાત થતા મુખ્યમંત્રીએ પણ તુરંત કામ શરૂ કરવા પડ્યા છે. એ જ બતાવે છે કે હવે ચિંતા તેમને પણ થવા લાગી છે.”
ગઢબંધન તૂટ્યાની AAP પર અસર
કોંગ્રેસ અને AAP વચ્ચે ગઢબંધન તૂટી જવાથી આમ આદમી પાર્ટીને કેટલાક નેગેટિવ પડઘા પડ્યા છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાંથી લગભગ 100 જેટલા આપ કાર્યકરો પાર્ટીથી અલગ થઈ ગયા છે. આ કાર્યકરોને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પાર્ટીમાં સામેલ કર્યા હતા.
ગોહિલે આ પ્રસંગે કહ્યું હતું કે, “આપના કાર્યકરોને માત્ર ચૂંટણીના વાંસણે વાપરવામાં આવ્યા. હવે કોંગ્રેસ યુવાનો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓ માટે સાચા અર્થમાં કામ કરશે.”
પાટીદારો, ખેડૂતો અને રોષ
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, “ગત ચૂંટણીમાં આપને વિસાવદરમાં 66 હજારથી વધુ મત મળ્યા હતા. હવે જ્યારે લોકો ખેડૂતોના અપમાનનો બદલો લેવા માંગે છે, ત્યારે આપણે વધુ મજબૂતીથી મેદાનમાં ઊતરવાની તૈયારી કરી છે.” તેમણે લોકોને પણ અપીલ કરી કે “ભાજપને મત આપી ભુલ કરતા નહીં.”
તેમણે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપની ‘તાનાશાહ શૈલી’ ને લોકો સહન કરતાં આવતા હતા, પરંતુ હવે બદલાવ આવવો જ જોઇએ. “અમે આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે,” તેમ પણ ઈસુદાને જણાવ્યું.