Gujarat Police recruitment : ખાખી વર્દી માટે તૈયાર? ગુજરાત પોલીસમાં મોટા પાયે થશે ભરતીની જાહેરાત
પોલીસ વિભાગમાં ભરતીનો બીજો તબક્કો: ૧૪,૨૮૩ ખાલી જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત
હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું: ભરતી પ્રક્રિયા અંગે કોર્ટને અપાઈ માહિતી
પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા ચાલુ: ૧૧ હજારથી વધુ જગ્યાઓ માટે ફિઝિકલ પરીક્ષા ચાલી રહી છે, લેખિત પરીક્ષા જુલાઈમાં
અમદાવાદ, શનિવાર
Gujarat Police recruitment : ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે ખુશીની ખબર છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી ૨૫,૬૬૦ જગ્યાઓ ભરવા માટે બે તબક્કામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જેમાં ૧૧,૩૭૭ જગ્યાઓ માટે શારીરિક પરીક્ષા યોજાઈ રહી છે. આ તબક્કાની લેખિત પરીક્ષા જુલાઈ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે અને પરિણામની જાહેરાત બાદ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.
રાજ્ય સરકારે હાઈકોર્ટને વધુમાં જણાવ્યું કે, બીજા તબક્કાની ભરતી (Gujarat Police Recruitment 2025) માટે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર ૨૦૨૫માં જાહેરાત બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં ૧૪,૨૮૩ ખાલી જગ્યાઓ ભરાશે. આ પ્રક્રિયા સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.
આ મોટી ભરતીના કારણે ગુજરાત પોલીસ દળને વધુ મજબૂતી મળશે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સશક્ત થશે. જે યુવાનો પોલીસમાં જોડાવા ઇચ્છે છે તેઓ માટે આ એક મોટો અવસર છે. ઉમેદવારોને સત્તાવાર જાહેરાતો અને સરકારની વેબસાઇટ પર ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે જેથી તેઓ તમામ જરૂરી માહિતી સમયસર મેળવી શકે.