Gujarat Police Bharti 2025 : મિત્રના લેટરમાં ચેડાં કરીને પોલીસ ભરતીમાં આવ્યો યુવક, ખોટો કોલલેટર લઈ પકડાયો
પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો
ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો
Gujarat Police Bharti 2025 : ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન મહેસાણા ખાતે ખોટા દસ્તાવેજ સાથે એક બોગસ ઉમેદવાર પકડાયો છે. આ ઉમેદવારએ ટેકનોલોજીના માધ્યમથી પોતાના મિત્રના કોલલેટરમાં ચેડાં કરી પોતાનું ખોટું કોલલેટર તૈયાર કર્યું હતું. આ મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને સાવચેત રહીને બોગસ ઉમેદવાર પકડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રાજ્યભરમાં 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી પ્રક્રિયા ચલાવી રહ્યું છે, જે 8 જાન્યુઆરી 2025થી શરૂ થઈ છે. આ પ્રક્રિયા દરમિયાન કોઇ ગેરરીતિ ન થાય તે માટે મોડર્ન ટેકનોલોજી અને મક્કમ મોનીટરીંગ દ્વારા પારદર્શક ભરતી પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
ગઈ કાલે, 22 જાન્યુઆરી 2025ના રોજ, મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન દરમિયાન આ બોગસ ઉમેદવાર પકડાયો હતો. તે પોતાના મિત્રના કોલલેટરમાં નામ અને સરનામાની વિગતો બદલી, પોતાનું ખોટું કોલલેટર તૈયાર કરી ભરતીમાં ભાગ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બોગસ ઉમેદવાર વિરુદ્ધ મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS અધિનિયમની કલમ 336(ર) અને 340(ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા પોલીસ અધિકારીને ઇનામ આપવાનું નક્કી કર્યું છે.