Gujarat News : નર્મદાના દુર્ગમ વિસ્તારમાં વ્યક્તિને સાપ કરડ્યો, રસ્તાની સુવિધાના અભાવે 10 કિ.મી. સુધી ઝોળીમાં ઊંચકી લઇ જવાયો
Gujarat News : નર્મદા જિલ્લાનું ચાપટ ગામ ફરી એકવાર રાજ્યના પાયાની સુવિધાઓ પર સવાલ ઊભા કરે તેવો બનાવ સામે આવ્યો છે. અહીંના એક અદિવાસી ફળિયામાં રહેતા ઇદ્રિસભાઈ વસાવાને અચાનક સાપ કરડતા આખું ગામ ચોંકી ગયું. પરંતુ ગામમાં ન રસ્તાની સુવિધા, ન કોઈ તાત્કાલિક વાહન ઉપલબ્ધ — જેથી પરિવારજનો અને ગામલોકોએ તેમને ઝોળીમાં બેસાડી 10 કિલોમીટર પગપાળા મુખ્ય રોડ સુધી લઈ જવાનો કઠિન નિર્ણય લીધો.
ત્યાંથી તેમને ખાનગી વાહનની મદદથી નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા અને સારવાર આપવામાં આવી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થતાં લોકોમાં ભારે ચકચાર ફેલાઈ છે.
આજે પણ ધોવાતા માર્ગો અને વિચલિત કરવા જેવી હકીકત
ગરૂડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયામાં લગભગ 250 જેટલી વસ્તી વસે છે. અહીં 47 જેટલા ઘરો છે, પરંતુ વર્ષો પછી પણ અહીં પાકા રસ્તાની વ્યવસ્થા પહોંચેલી નથી. વરસાદ પડ્યો હોય કે અચાનક કોઈ બીમાર પડે — ગ્રામજનોને આજે પણ ઝોળી, ખાટલા કે ખભે ઉંચકીને દર્દીને બહારના માર્ગ પર લઈ જવા પડે છે.
“આઝાદી બાદ પણ રસ્તો મળ્યો નહીં”
ગામના રહેવાસીઓના કહેવા મુજબ, તેઓ વર્ષોથી રસ્તાની માંગ કરી રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ પાયાનો નક્કર નિર્ણય લેવાયો નથી.
હવે પ્રશ્ન તંત્રને
આ ઘટનાએ ફરીથી સવાલ ઊભો કર્યો છે કે સરકારના વિકાસના દાવાઓ અંતરિયાળ વિસ્તારોમાં ક્યાં સુધી પહોંચ્યા છે? જ્યારે તાત્કાલિક સારવાર માટે લોકોને દર્દીને ઝોળીમાં લઈ જવો પડે — ત્યારે એ કેવો વિકાસ?