Gujarat News : ગુજરાતમાં 31 કરોડના ઓવર બ્રિજથી મુસાફરી થશે સરળ, કોઈ ટોલ નહીં, લાભમાં 14 ગામો
Gujarat News : ગુજરાતના માર્ગ વિકાસને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નડિયાદ-પેટલાદ-ખંભાત માર્ગ પર પેટલાદના કોલેજ ચોકડી વિસ્તારમાં નવીન રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામે નિર્મિત આ બ્રિજ રૂ. 31 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જે આજુબાજુના 14 ગામના લગભગ 1.22 લાખ લોકો માટે સીધી રાહત લાવશે.
આ ગામોને મળશે સીધો લાભ
પેટલાદ તાલુકાના પેટલાદ, પડગોલ, મેહલાવ, બાંધણી, પોરડા, વિશ્નોલી, વટવા, રંગાઇપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેખડી અને ધર્મજ જેવા ગામના રહીશો હવે ટ્રાફિક જંજટ અને રેલવે ફાટક પર અટવાયા વિના સરળતાથી મુસાફરી કરી શકશે.
મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે, “આ પુલ સંપૂર્ણપણે ટોલ ફ્રી છે અને તે સ્થાનિક લોકોને માત્ર સમય બચાવશે નહીં પરંતુ ઇંધણ અને પૈસાની પણ બચત કરાવશે.”
વિસ્તૃત જોડાણ અને વિસ્તારનો લાભ
આ પુલ માત્ર પેટલાદ માટે નહિ પરંતુ આણંદ, પેટલાદ અને ખંભાત જેવા વિસ્તારમાં રહેતા લોકો માટે પણ રાહતરૂપ સાબિત થશે. આ બ્રિજ નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તાને વધુ સશક્ત બનાવશે અને વિસ્તારની અવરજવરમાં નોંધપાત્ર સુધારો લાવશે.
વડોદરામાં પ્લાસ્ટિક કચરાથી બનશે પર્યાવરણમૈત્રી રોડ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં નવી પહેલ તરીકે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને માર્ગ નિર્માણ શરૂ થવાનો છે. સાધલીથી સેગવા માર્ગ રૂ. 10.19 કરોડના ખર્ચે તૈયાર થશે. આ રસ્તાની ખાસિયત એ છે કે તેમાં પર્યાવરણ માટે હાનિકારક ગણાતા પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે તેને એક ટકાઉ અને હરિત વિકલ્પ બનાવે છે.
રાજ્યમાં આવા ટકાઉ અને વ્યૂહાત્મક વિકાસ પ્રોજેક્ટોથી ગ્રામ્ય વિસ્તારોના લોકોનું જીવન સરળ બનતું જાય છે અને સતત વિકાસના માર્ગે ગુજરાત આગળ વધી રહ્યું છે.