Gujarat: મહિસાગર જિલ્લાના બાલાસિનોરના જેઠોલી ગામના અશોકકુમાર 9428153303 મરચા ઉગાડવા માટે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.
તેઓ મરચીની સતત 5 વર્ષ સુધી નીશા, શિકારા, ઓમેગા જાતના લાંબા અને મોટા મરચાની ખેતી કરી હતી. પછી બજારમાં માલ પહોંચાડવાની સમસ્યાના કારણે મરચા ઉગાડવાનું બંધ કરી દીધું હતું. બજાર 22 કિલોમિટર બાલાસિનોર થાય છે. દૂર વેચવા જવું પડતું હતું. તમાકુની ખેતી કરી હતી. ફરી તેઓએ નવો અખતરો કર્યો છે. 2023માં મધ્ય પ્રદેશની 1049 નંબરની જાતની મરચીનું બિયારણ લાવીને મરચા વાવ્યા છે. ટપક સિંચાઈ કરતાં હોવાથી સારું ઉત્પાદન મળે છે.
બેક્ટેરિયાથી ખેતી
અશોકભાઈ અમદાવાદથી ગાયના છાણના 250 જાતના બેક્ટેરિયાની બોટલ લઈ ગયા હતા. તેનાથી તેઓ હાલ ખેતરમાં બેક્ટેરિયા છોડે છે. 70 રૂપિયાના એનપીકેના બેક્ટરીયા લઈ આવીને ખેતરમાં નાંખે છે.
યુરિયા નાઈટ્રોજન બેક્ટેરીયા વાપરે છે.
નીમ ઓઈલ 250નું લીટર લાવીને કોકડ અને બીજા રોગો પર છાંટે છે. કોકડવાડ અંકૂશમાં ન રહે તો ક્યારેક દવા છાંટવી પડે છે.
વીઘામાં 400થી 500 મણ થતું રહે છે. હેક્ટરે 4400 કિલો સુધી મરચાનું ઉત્પાદન તેઓએ 2014-15માં લીધું છે. જેમાં 64 હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો હતો.
ગુજરાતમાં મરચાની ખેતીમાં ભારે વિવિધતા છે.
લાલ મરચા, લીલા મરચા, પીળા મરચા, કાળા મરચા, શિમલા મરચા બજારમાં મળે છે.
જગનાથપુરા ગામ
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામમાં જ્વાલા નામના દેશી મરચાંની 50 વર્ષથી ખેતી થાય છે. 300 વીઘા જમીનમાં ખેડૂતો દેશી મરચાંની ખેતી કરે છે. 30થી 40 કિલોમીટરમાં વેચાય છે. એક વીઘામાં 500 મણ જેવું ઉત્પાદન થાય છે. એક ઋતુમાં 1 લાખ 50 હજાર મણ મરચાનું ઉત્પાદન થાય છે.
ખેડૂત જગદીશભાઈ પટેલ જૂન મહિનામાં મરચાંનુ ધરુ તૈયાર કર્યા બાદ ખેતરમાં રોપણી કરે છે. એક વીધામાંથી ખેડૂતો 1 લાખથી 3 લાખ રૂપિયાની આવક મેળવે છે.
વાવેતર અને ઉત્પાદન
ગુજરાતમાં સરેરાશ 45 હજાર હેક્ટરમાં વાવેતર છે.
ઓછી તીખાસ વાળા ધોલાર જાત છે. રેશમપટ્ટી મરચાનો ઉપયોગ લાલ સુકા મરચા તરીકે થાય છે. લવીંગીયા જાણીતા છે.
મરચા પાવડર, અથાણું અને ચટાણીની નિકાસ રૂ. 250 કરોડ થાય છે.
ભારતમાં મરચું પકવવામાં ગુજરાતનો ક્રમ 7મો આવે છે. ગુજરાતમાં આઝાદી સમયે 11700 હેક્ટરમાં 5400 મે.ટન થતી હતી. એક હેક્ટરે ઉત્પાદન 462 કિલો હતું. 1954-55માં 24000 હેક્ટરમાં 7700 ટન મરચા પાક્યા હતા અને 321 કિલો એક હેક્ટરે ઉત્પાદન હતું. જે 1998-98માં 27800 હેક્ટર હતું. 32700 ટન મરચા પેદા થવા લાગ્યા હતા. એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન 1176 કિલો પર આવીને ઊભી હતી. જે ગુજરાતે કૃષિ ક્ષેત્રે કરેલી એક ક્રાંતિ હતી.
મચરાની ખેતીમાં વળાંક 2004-2005થી આવ્યો હતો. વાવેતર વિસ્તાર સાવ તળીએ 6400 હેક્ટર અને 5700 મે.ટન ઉત્પાદન થઈ ગયું હતું. ઉત્પાદકતા 891 કિલો થઈ હતી. ત્યારથી ગુજરાતમાં પડતી થઈ હતી. વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા સતત નીચે આવી રહી છે. આજે માંડ 7000 હેક્ટરમાં વાવેતર થાય છે.
ભારતમાં ગુજરાત
ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો માંગ ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000 કિલો મરચા હેક્ટરે પાકે છે. 2080 ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે ઘણી ઓછી ઉત્પાદકતાં ગુજરાતમાં મળી રહી છે.
સૌથી વધું ઉત્પાદન ગોંડલ લે છે
ગુજરાત રાજ્યના ખેડૂતો સરેરાશ એક હેક્ટરે 1.95 ટન મચરા પકવી જાણે છે. ગોંડલમાં 820 હેક્ટરમાં 1952 ટન મરચા પેદા થાય છે. ગોંડલમાં 2.38 ટન મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2 ટન મરચા હેક્ટરે પાકે છે. 2.08 ટન મરચા પંચમહાલમાં પાકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ગોંડલના ખેડૂતો સૌથી વધું મરચા પકવે છે.
મહેસાણાં કિંગ
ગુજરાતમાં સૌથી વધું 1380 હેક્ટરમાં 2760 ટન મરચા મહેસાણામાં પાકે છે. બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.
મસાલા પાક
મરીમસાલાનું કૂલ 2.58 લાખ હેક્ટરમાં 3.63 મે.ટન ઉત્પાદન થાય છે. જેમાં હવે મરચાનો હિસ્સો ઘટી ગયો છે.
મરી મસાલામાં 28 ટકા હિસ્સો સૂકા મરચાનો છે. જેની કિંમત દેશમાં રૂ.2400 કરોડ થવા જાય છે. જેમાં દર વર્ષે 100 કરોડનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2013-14માં રૂ.738 કરોડનું મરચું થયું હતું. 2020-21માં રૂ.950 કરોડ અને 2023માં રૂ. 1હજાર કરોડથી વધારે ઉત્પાદન છે.
સુરેન્દ્રનગરનામાં ચૂડાના લાલ અને મરચાની રાજધાની વઢવાણના લીલા મરચા દેશ-વિદેશમાં ખવાય છે. વઢવાણી લીલામરચાની ભારે બોલબાલા રહી છે. અહીં એક કિલોના 25થી 200 રૂપિયા સુધી ઘણી વખત મરચાનો ભાવ પહોંચી જાય છે. ઘણી વખત આગોતરા ભાવો આપીને ખરીદી કરવામાં આવે છે. મોળું મરચું હોય છે.
ખેડામાં વઢવાણી મરચા
સુરેન્દ્રનગર બાદ હવે આણંદ-ખેડા-નડિયાદમાં વઢવાણી મરચું સારા પ્રમાણમાં થવા લાગ્યું છે. ખેડાના હાથજના ગામના વઢવાણી મરચા સ્વાદ માટે સારા છે. એક વીઘામાં 30 મજૂર નભે છે.
દળદાર તીખાશ વગરનાં વઢવાણી મરચાં ગુજરાતમાં વધું ખવાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. સિમલા, આંધ્ર, રાજપીપળાનું એક ઈંચનું મરચું. સફેદ રંગનું મરચું, છોડ ઉપર જ સફેદ રંગનાં મરચાં બેસે છે. આ મરચું અતિ તીખું હોય છે.
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના અભ્યાસ મૂજબ હેક્ટરે સરેરાશ 1500થી 2 હજાર કિલો લીલા મરચા અથવા સુકા મરચાનું ઉત્પાદન મળે છે. એક એકર દીઠ 11000 થી 12000 છોડની જરૂર પડે છે.દવાઓમાં પણ કૅપ્સેસિન રસાયણ જોવા મળે છે, જેમ કે કેન્સર વિરોધી અને તાત્કાલિક પીડા રાહત ઘટકો. તે લોહીને પાતળું કરવામાં અને હૃદયના રોગોને રોકવામાં પણ મદદ કરે છે.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભલામણ કરેલી મરચાની સુધારેલી જાતોમાં એસ- 49, જ્વાલા, જી- 4 છે.
જગુદણના મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર દ્વારા લીલાં મરચા માટે જીવીસી- 101, જીવીસી- 111, જીવીસી- 121, એવીએનપીસી- 131 ભલામણ કરેલી છે.
લાલ મરચા માટે ગુજરાત મરચી- 1, ગુજરાત મરચી- 2 છે. જ્યારે હાઈબ્રિડ જાતોમાં ગુજરાત આણંદ સંકર મરચી- 1 , સી. એચ.- 1 છે.
જીવીસી- 101, 111,112,121,131,પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્યાતી, કાશી અનમોન, અર્કા શ્વેતા છે.
મસાલાવાળી ભારતની જાતો
પૂસા જ્વાલા, પંત સી-1, એનપી-46એ, જહવાર મરચા-148, કલ્યાણપુર ચમન, ભાગ્ય લક્ષ્મી, આર્કો લોહિત, પંજાબ લાલ, આંધ્રા જ્યોતિ, જહવાર મરચા-283 મસાલા બનાવવામાં વપરાય છે.
અથાણા માટેની ભારતની જાણિતી જાતો
કેલિફોર્નિયા વંડર, ચાયનીઝ જાયંટ, યેલ્લો વંડર, હાઈબ્રિડ ભારત, અર્કો મોહિની, અર્કા ગૌરવ, અર્કા મેઘના, અર્કા વસંત, સિટી, કાશી અર્લી, તેજસ્વિની, અર્કા હરિત અને પૂસા સદાબહાર (એલજી-1) છે.
વિશ્વનું સૌથી ગરમ મરચું – ભુત જોલોકિયા
વિશ્વનું સૌથી ગરમ તીખુ તમતમતુ મરચું ભૂત જોલકિયા જાત ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં જોવા મળે છે. વિશ્વમાં લોકપ્રિય છે. તીખાશની તીક્ષ્ણતાને કારણે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ભૂત જોલેકિયામાંથી દર્દશામક દવા બને છે. મરચાનો રંગ અલગ કરીને તેનો ઉપયોગ થાય છે.
કાશ્મીરી મરચું
કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશમાં ઉગે છે. રંગ ઘેરો લાલ છે. બહુ મસાલેદાર હોતા નથી. ખોરાકમાં રંગ અને સુંદરતા વધારવા માટે થાય છે.
મુંડુ મરચું
નાનું અને ગોળાકારનું મુંડુ મરચું બહારનું પડ પાતળું ધરાવે છે. વધુ પલ્પ હોય છે. સ્વાદ તીખો અને જબરદસ્ત છે.
ગુંટુર મરચાં
દક્ષિણ ભારતના ગુંટુર મરચાંનો સ્વાદ અદ્ભુત છે, તેથી જ તેની નિકાસ પણ થાય છે.
જ્વાલા મિર્ચી
જ્વાલા મરચાંનો પણ ગરમ મરચાંની શ્રેણીમાં સમાવેશ થાય છે. જ્વાલા મરચાં મુખ્યત્વે ગુજરાતના દક્ષિણ ભાગોમાં જોવા મળે છે. તેના તીખા સ્વાદને કારણે તેનો ઉપયોગ મસાલેદાર ચટણી, અથાણાં અને ભોજનમાં થાય છે.
તીખાશનું કારણ
મરચામાં કેપ્સાઈસીન નામના તત્વના કારણે તીખાશ આવે છે.
ભારત આ દેશોમાંનો એક છે અને તેઓ દર વર્ષે સરેરાશ 8 થી 9 લાખ હેક્ટર જમીન પર મરચાંની ખેતી કરે છે. આમાંથી 65 થી 70 ટકા જમીન એકલા આંધ્ર પ્રદેશમાં છે. વિશ્વનું સૌથી મોટું મરચાનું બજાર આંધ્ર પ્રદેશના ગુંટુરમાં આવેલું છે