ગાંધીનગર- ગુજરાતના શહેરી વિસ્તારોમાં પોલીસનું સર્વેલન્સ મજબૂત બનાવ્યા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સર્વેલન્સ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ હવે ગામડાઓમાં જઇને ચેકીંગ શરૂ કરશે. એવું જણાયું છે કે શહેરો બંધ છે પરંતુ ગામડાં ખુલ્લા છે. પોલીસને હવે ગામડાં દેખાયા છે.
સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી અત્યાર સુધીમાં પોલીસે 14 ગુના દાખલ કર્યા છે તેવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું છે. સોશ્યલ મિડીયાના દુરપયોગ અંગે પોલીસે 46 ગુના નોંધ્યા છે. તેમણે કહ્યું છે કે હોમ ક્વોરન્ટાઇન કરાયેલી કોઇ વ્યક્તિ ઘરની બહાર નિકળે તો તાત્કાલિક 100 નંબર પર પોલીસને જાણ કરવી. લોકડાઉનના અમલ માટે રાજ્યની 80 ટકા પોલીસ માર્ગો પર ખડેપગે છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેની કડક અમલવારી માટે ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ ચલાવી લેવા માંગતી નથી. રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું એન્ટ્રી – એકઝીટ પોઇન્ટ પર સઘન ચેકીંગ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન મારફતે સતત સર્વેલન્સ હાથ ધરીને જડબેસલાક સર્વેલન્સ- ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ આપી દેવાયા છે.
ગુજરાતની પોલીસ બે શિફ્ટમાં જનતાની સેવામાં પોલીસ ખડેપગે રહે છે. 70 હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓ, 36 હજારથી વધુ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકડાઉનની કડક અમલવારી માટે ફરજ પર છે. જનતાના હિત માટે જ પોલીસ કડકાઈ કરી રહી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિને કેટલાક લોકો હળવાશથી લેતા હોવાની મળેલી વિગતોને ગંભીરતાથી લઈને સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને કડક અમલવારી કરાવવા સૂચનાઓ આપી દેવાઈ છે. હવે ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ આવા વિસ્તારોમાં કડક અમલવારી કરાવશે. તે ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.
પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 680 અને હોમ કવોરન્ટાઈન ભંગના 418 મળી કુલ 1098 ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 2014 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 6131 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 5889 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે