ગાંધીનગર- ગુજરાતમાં અત્યારે ચાર મોટા શહેરોમાં લોકડાઉન કરવાથી મોંઘવારી ભડકે બળશે અને ચીજવસ્તુની અછતના કારણે કાળાબજારની દહેશત ફેલાઇ છે. લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવા માટે બમણાં થી ત્રણ ગણાં દામ આપવા પડશે.
ગુજરાતના મુખ્યમંત્રીએ કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે લોકસંપર્ક બંધ તો કર્યા છે પરંતુ તેની આડમાં ઉત્પાદકો અને સ્થાનિક વ્યાપારીઓ દ્વારા સંગ્રહાખોરી થતાં કાળાબજારની દહેશત વ્યાપેલી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને જ્યાં સુધી આદેશ નહીં મળે ત્યાં સુધી એવા વ્યાપારીઓ પર પગલાં નહીં લઇ શકે કે જેઓ આવશ્યક ચીજવસ્તુના દામ વધારે પડાવી રહ્યાં છે.
રાજ્યના તોલમાપ નિયંત્રણ વિભાગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે મેડીકલ સ્ટોર, ઉત્પાદકો તેમજ દવાની એજન્સીઓ પર દરોડા પાડ્યા હોવા છતાં ગુજરાતના શહેરી વિસ્તારમાં એક માસ્કની કિંમત 220 રૂપિયા સુધી લેવાય છે. સેનેટાઇઝરની કિંમતમાં પણ બમણો વધારો કરી દીધો છે. મેડીકલ સ્ટોરમાંથી પણ એવો જવાબ મળી રહ્યો છે કે સ્ટોકની અછત છે. વ્યાપારીઓ અને દવાની દુકાનના સંચાલકોએ રોગચાળામાં લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે.
ગુજરાત સરકારે ઉચ્ચસ્તરીય બેઠકમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં 25મી માર્ચ સુધી લોકડાઉન કર્યું છે પરંતુ આ લોકડાઉન 31મી માર્ચે કે 5મી એપ્રિલ સુધી લંબાવાઇ શકે છે. રાજ્યમાં કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થયો છે અને કેસો વધવાની દહેશત સાથે રાજ્ય સરકારે ચાર શહેરોની હોસ્પિટલોમાં 2200 બેડની સ્પેશ્યલ વ્યવસ્થા કરી છે. આ તૈયારી દર્શાવે છે કે સરકારને અંદેશો છે કે કેસોની સંખ્યા વધી શકે છે. એટલે કે લોકડાઉનનો સમયગાળો પણ લંબાવાય તેવી સંભાવના છે.