Gujarat: વસ્તી ગણતરીમાં ઘુડખર વધ્યાં, પણ જમીન માફિયાઓ જંગલી બની જતાં જોખમ વધ્યું
દિલીપ પટેલ
અમદાવાદ, 7 ઓક્ટોબર 2024
Gujarat: 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું ઘુડખર અભયારણ્ય છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકના ખારાઘોડાનું રણ અગરિયાઓ તેમજ ઘુડખર માટે તો પ્રખ્યાત છે. ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં ઘુડખર બચ્યા છે. 2024માં કરેલી વસતી ગણતરીમાં 7 હજાર 672 ઘુડખરની વસ્તી છે. 5 વર્ષમાં 26.14 ટકાનો વધારો નોંધાયો છે.
Gujarat: 9મી ગણતરીમાં 6 હજાર 82 ઘુડખર હતા જે 10મી ઘુડખર વસ્તી ગણતરીમાં 7 હજાર 672 થયા છે. 5 વર્ષના સમયમાં 1,590 ઘુડખરનો વધારો થયો છે. સરેરાશ વર્ષે 318 ઘુડખરનો વધારો થયો છે.
Gujarat: અમદાવાદ, બનાસકાંઠા, મોરબી જિલ્લામાં ઘુડખર ઘટી રહ્યા છે. જે ગંભીર બાબત છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર – 2008ના અહેવાલ પ્રમાણે ઘુડખર લુપ્ત થતી પ્રજાતિ છે.
ઘુડખર 6 જિલ્લામાં છે
જિલ્લો – 2024 – 2020
સુરેન્દ્રનગર જિલ્લો – 2705 – 2034
કચ્છ જિલ્લો – 1993 – 1244
પાટણ – 1615 – 653
બનાસકાંઠા – 710 – 960
મોરબી – 642 – 1172
અમદાવાદ – 07 – 19
વન વિભાગો પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં, 2325 રાધનપુર અને 2113 ભચાઉમાં વસવાટ કરે છે.
વન અને અભયારણ્ય વિસ્તારમાં ઘુડખર
2569 માદા ઘુડખર,
1114 નર ઘુડખર,
584 બચ્ચા
2206 વણ ઓળખાયેલા છે.
રેવન્યુ વિસ્તારમાં ઘુડખર
558 માદા ઘુડખર,
190 નર ઘુડખર,
168 બચ્ચા
283 વણ ઓળખાયેલા ઘુડખર છે.
ગણતરીની પદ્ધતિ
ઘુડખર વસ્તી ગણતરી 2024માં 15 હજાર 510 ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. ડ્રોન કેમેરા, કેમેરા ટ્રેપ, ઈ-ગુજ ફોરેસ્ટ મોડ્યુલનો ઉપયોગ ગણતરીમાં કરવામાં આવ્યો હતો.
અન્ય પ્રાણીઓ
ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવો છે.
ઝરખ કેમ નહીં
વિશ્વ વિખ્યાત બજાણા ઘુડખર અભ્યારણ વિસ્તારમાં પાંચથી વધુ ઝરખ 2023માં જોવા મળ્યા હતા. જેની નોંધ આ વખતની ગણતરીમાં લેવામાં આવી નથી. 1990માં સૌ પ્રથમવાર ઝરખની વસ્તી ગણતરી વખતે ગુજરાતમાં ઝરખની સંખ્યા 97 હતી. જે 1995માં વધીને 1367 થઇ હતી. વન વિભાગ દ્વારા છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર ઝરખની સંખ્યા 897 નોંધાઇ હતી. તે પણ લુપ્ત થઈ રહ્યું છે.
રણ લોંકડી
એપ્રિલ 2024માં ખારાઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લાં 2 વર્ષમાં બમણી થઇને 100થી પણ વધુ હોવાનું વન વિભાગનું માનવું હતું. સાદી લોંકડી અને રણલોંકડી એમ 2 પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે.
74 ટાપુમાં રણ લોંકડી જોવા મળે છે. જેમાં પુમ્બ બેટ પર 9 જીવંત દર હતા. અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા 40થી 50 સુધી હતી. જે 2022થી 2024ના 2 વર્ષમાં બમણી થઈ હતી. 100થી 125 જેટલી દુર્લભ રણ લોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. રણ લોંકડી એ ભૂખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળું પ્રાણી છે. રણ લોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે.
બજાણા રણમાં દુર્લભ કાળિયારનું ઝુંડ અને વરુ જોવા મળ્યા હતા.
ઘુડખર સાથે સંકળાયેલા અન્ય વન્યપ્રાણીઓની વિગત
- પ્રજાતિ – સંખ્યા
- નીલગાય – 2734
- જંગલી ભૂંડ – 915
- ભારતીય સસલું – 222
- ચિંકારા – 214
- ભારતીય શિયાળ – 153
- રણ લોંકડી – 70
- ભારતીય લોંકડી – 49
- કાળિયાર – 39
- ભારતીય ઝરખ – 15
- રણ બિલાડી – 11
- જંગલી બિલાડી – 4
- ભારતીય વરૂ – 2
ઘુડખર દરેક ગણતરીના વર્ષમાં વસ્તી
- 1976 – 720
- 1983 – 1999
- 1990 – 2072
- 1999 – 2839
- 2014 – 4451
- 2020 – 6082
- 2024 – 7672 ઘુડખર નોંધાયા છે.
ઘુડખરની ખાસીયત
ગુજરાતના ઘુડખર વિશ્વમાં અને ખુર તરીકે પણ ઓળખાય છે. ઘુડખર રણમાં 45થી 50 ડિગ્રીમાં જીવી શકે છે. રણના ટાપુનું ઘાસ તેનો મુખ્ય ખોરાક છે. બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે.
50થી 70 કિ.મી.ની ઝડપે દોડી શકે છે. ટોળામાં રહેતાં ઘુડખરની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતા જ આ પ્રાણીઓ નાસવા લાગે છે. દુર્લભ પ્રાણી છે.
પ્રજનના કાળમાં ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી 4 મહિના બંધ કરી દેવામાં આવે છે. વિદેશીઓ સૌથી વધારે જોવા માટે આવે છે.
ત્રણથી ચાર ફૂટની ઊંચાઈ, લાંબા કાન અને ખાસ તો ઘોડા જેવી ખરી હોય છે. સામાન્ય ગધેડા કરતાં ઘુડખર પીઠ, પેટ અને પગ પર રાખોડીને બદલે બદામી રંગ છે. સ્થાનિક લોકો તેને ખચ્ચરના નામે ઓળખે છે. ટોળામાં-સમૂહમાં 40થી 50ની સંખ્યામાં હોય છે. જંગલી ગધેડું ઘુડખર ક્યારેય ગંદું નહીં દેખાય. પોતાના શરીરને સતત ચાટતા રહે છે.
નાનું રણ
કચ્છના નાના રણના ઘુડખર અભયારણ્ય 4953 ચોરસ કિલોમીટરમાં છે જેમાં 3500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાય છે. જેમાં જિંગા થાય છે. માળિયા, વેણાસર ગામો તેનો ધંધો કરે છે. 500 પરિવારો રાતના સમયે રણની અંદર હોડી ચલાવીને જિંગા પકડીને લાવે છે. લીલા જિંગાનો ભાવ 70થી 90 રૂપિયા કિલો, જ્યારે સુકવેલા જિંગા કિલોના રૂ.250થી 500 છે. 2023ના ચોમાસાની સીઝનમાં રણમાં અંદાજીત 10 હજાર મેટ્રિક ટન જેટલું આ જિંગાનું ઉત્પાદન થયું હોવાનું માનવામાં આવે છે. જે ઘુડખર માટે જોખમી પ્રવૃત્તિ છે.
સૂર્ય ઉર્જા ઘુડખરને ખતમ કરી શકે
કચ્છના નાના રણમાં વિશ્વનો સૌથી મોટો સૂર્ય ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તે સ્થળે ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આવેલા છે. કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કીલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારી છે. ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે. જ્યાં 41 હજાર મેગા વોટ વીજળી પેદા થવાની છે.
કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્ક બનાવવા માટે આ જમીન આપવામાં આવી છે. અદાણી કંપની પ્રોજેક્ટમાં મોટી જમીન મેળવી છે. અદાણી જૂથને 20,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને પણ 20,000 હેક્ટર જમીન ફાળવણી કરવામાં આવી છે. અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરવા જઈ રહી છે.
ઘોરાડ લુપ્ત
ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થઈ રહ્યું છે. કચ્છના અબડાસાના નલિયા પાસે 2 ચોરસ કિ.મી. ઘાંસીયા મેદાનો અને જામનગરના 3 ચોરસ કિ.મી.ના ગાગા અભયારણ્યમાં પક્ષીઓ રહે છે. ઘોરાડ માટે 2015-26માં રૂ.1 કરોડ ખર્ચ કરેલો હતો. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ(GIB)ની 90% ટકા રેન્જ લુપ્ત થઇ ગઇ છે. 2007ની વસતી ગણતરી દરમિયાન 48 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળ્યાં હતાં. સમગ્ર વિશ્વમાં આ પંખીની સૌથી વધુ વસતી હોય તેવું ગુજરાત માત્ર બીજું સ્થળ હતું. તે નાશ પામ્યું છે. વિજ લાઈનોના કાણે. ઘોરાડ પછી હવે ઘુડખરનો વારો છે.
નહેર જોખમી
કચ્છ તરફ જતાં નર્મદા નહેર ઉપર બપોરના સમયે નીલગાય હરણ પાણી પીવા આવતાં અંદર પડીને મોતને ભેટે છે. રણમાં પશુઓને અને પક્ષીઓને પીવાના પાણીની મોટી મુસીબત હોવાનું જાણવા મળી રહ્યું છે.
રણસર ઘુડખરનો નાશ કરશે
કચ્છના નાનારણને સુરજબારીના જુના પુલના ગાળા પુરી દઈ (બંધ બાંધી) 5 હજાર ચોરસ કિલો મીટરનું રણ-સરોવરમાં પરિવર્તિત કરવાનું એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાની યોજના છે.
આ વિસ્તાર ‘ઘુડખર અભયારણ્ય’ છે. રણમાં આવેલા પ્રસિદ્ધ વચ્છરાજ બેટ સહીત નાના અનેક બેટ રણ સરોવરના લીધે ડૂબમાં જશે. જે ઘુડખર માટે ઘાસ પુરું પાડે છે. ખેડૂતોની ખેતી અને ઘુડખર બન્નેને નૂકસાન થશે. પ્રજનન-કાળ દરમ્યાન ઘુડખરને દોડવા ખુલ્લું મેદાન જોઈએ. ઘુડખરને જો થોડાંક બેટ પર ઓછી જગ્યામાં પૂરી દેવામાં આવે તો તેની સંખ્યા ઘટતાં-ઘટતાં નામશેષ થઇ જશે.
મીઠા ઉદ્યોગથી ઘુડખર પર જોખમ
માળિયા તાલુકાના દરિયાકાંઠાના રણ વિસ્તારમાં મીઠું પકવતાં ઉદ્યોગપતિઓએ કચ્છના અખાતની અનેક ખાડી બંધ કરી દીધી છે. જે રીતે અદાણીએ કચ્છ મુંદ્રામાં કરેલું એ રીતે અહીં પણ થયું છે. જુના નવા હંજીયાસર અને સૂરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમાં રાજકીય વગ ધરાવતા માથાભારે ઉધોગપતિઓએ ઘુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી મહાકાય માટીના પાળા બનાવી નાખતા દરિયાઈ પાણીની અવર-જવર બંધ કરી દીધી છે. અર્ધ સાગરમાં મોટાપાયે ખોદકામ કરેલું છે.
ખાડીઓ બંધ થયેલી છે. માળિયા વિસ્તારના જાજાસર, બગસરા, વવાણીયા, હંજીયાસર, કાજરડા, ચીખલી, વેણાસર સહિતના ગામો સાગર કાંઠે વસતા ગામો છે.
ચેરિયા વાંઢ વિસ્તાર પુરાયો છે. ધ્રાંગધ્રા વન કચેરી જવાબદાર છે. ક્ષાર પ્રદેશ નિવારણ માટે માળીયા તાલુકામાં ભરતી નિયંત્રક બંધારા, વિસ્તરણ નહેરોના કામો કરવામાં આવ્યા છે.
દેશનું ગૌરવ
1969માં વસ્તી ઘટીને 720 થઇ ગઇ હતી. નામશેષ થવાને આરે હતું. તેથી 1973માં પ્રજાતિને નામશેષ થતી અટકાવવા નાના રણમાં અભયારણ્યની જાહેરાત કરવામાં આવી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્ર બંને અરબી સમુદ્રમાં ટાપુ હતા. 3000 વર્ષ પહેલાં કચ્છના અખાતમાં કાંપનો ભરાવો થયો અને કચ્છના નાના રણનું સર્જન થયું હતું.
રણમાં સૂરજબારી મારફત હજુયે દરિયાનું પાણી ફરી વળે છે.
100 ગામોની ખરાબાની જમીન મળીને કુલ 4953 કિ.મી.ના વિસ્તારમાં ઘુડખરનું અભયારણ્ય જાહેર થયું. જેમાં 3500 ચો.કિ.મી.ના વિસ્તારમાં રણ છે. કાદવ અને ખારાશના કારણે અહીં ઘાસ થતું નથી.
74 ટાપુ
74 ટાપુ પર ઘાસ ઉગે છે. જે ઘુડખરનો ખોરાક છે. પુંગા, નાંદા, કેશમેરા, શેડવા અને ત્રગડી જેવા રણદ્વીપ છે.
ખેતી
રણકાંધીના ગામોના ખેતરોમાં ઉભા પાકને ક્યારેક ઘુડખર ભારે નુકસાન કરે છે.
ઘુડખરનો વિસ્તાર વધ્યો
કચ્છમાં નાના રણથી વધીને મોટા રણ, ખડીર, ખાવડા સુધી વસતી વધી છે. ધ્રાંગધ્રાથી અમદાવાદ જતા રસ્તા પર માલવણ નજીક રણનો છેડો સ્પર્શે છે ત્યાં કોઇ પણ સમયે ઘુડખરનું એકાદ ટોળું અવશ્ય નજરે પડે છે. અમદાવાદ જિલ્લામાં ઘુડખર આવી ગયા છે. 2018માં 75 જંગલી ગધેડાએ સાણંદ, વિરમગામ અને નાળસોવરને તેમનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું હતું.
રાજસ્થાનમાં જંગલી ગધેડાએ ખેઝારી અલી અને તેની આસપાસ વસવાટ શરૂ કર્યો છે. જ્યાં 2007માં મહેસૂલ સત્તાવાળાઓ દ્વારા 60 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જોવા મળતા હતા. બનાસકાંઠાના રણથી રાજસ્થાન સુધી ઘુડખર પહોંચી ચૂક્યા છે. તેને જોવા માટે નાના રણમાં પ્રવાસીઓની સંખ્યામાં 300 ગણો વધારો થયો છે.
2015ની વસ્તી ગણતરી મુજબ જંગલી ગધેડો 15,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હતો.
જૂની ગણતરી
1946મા નાના રણમાં જંગલી ગધેડોની અંદાજિત વસતી 3,000થી 4,000ની હતી. જો કે, 1960મા વસ્તી લગભગ 2,000 સુધી ઘટી હતી. 1958 અને 1960મા, આર્થ્રોપોડથી જન્મેલા પ્રોટોઝોઇક રોગને ‘સુરા’ તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે જંગલી ગધેડાંઓના મોટા પાયે મૃત્યુ થયા હતા. 1961મા વાયરલ રોગ ફાટી નીકળવાના કારણે કેટલાક જંગલી ગધેડાંનાં મૃત્યુ થયાં હતાં, જેને’ દક્ષિણ આફ્રિકાના ઘોડાની બીમારી ‘તરીકે ઓળખવામાં આવે છે.
હવાઈ સર્વેક્ષણ દ્વારા વન ખાતાએ 1969મા 362 જંગલી ગધેડાં નોંધાયા હતા. ત્યારથી ગુજરાત જંગલ ખાતાએ ગણતરી હાથ ધરી. એપ્રિલ 1976મા વસતીમાં સતત વધારો થયો, એપ્રિલ 1983મા તે 989, માર્ચ 1990મા 2,072 અને જાન્યુઆરીમાં 2,839 1999. વર્ષ 2004 સુધીમાં જંગલી ગધેડાંની વસ્તી લગભગ 3,863 સુધી વધી હતી. 2009મા વસ્તી વધીને 4,038 થઈ.
જોખમો
1 – પ્રાણીઓ પાછળ જીપ દોડાવીને મનોરંજન કરવામાં આવે છે.
2 – નર્મદા બંધની નહેર અને તેના પાણી અહીં છોડવામાં આવે છે જેનાથી ગધેડાના ખોરાક પર વિપરીત અસર પડી રહી છે. નર્મદાના પાણીથી જમીનના ઉપયોગ બદલાઈ ગયો છે.
3 – ગધેડાના માઇક્રો-આશ્રયસ્થાન, ટૂંકા ઘાસના મેદાનો પર અસર થઈ છે.
4 – ખેતીની જમીનને સિંચાઈ આપવાથી વાઇલ્ડ એસ વસ્તીના વસવાટમાં ઘટાડો થઈ રહ્યો છે.
5 – ધાર્મિક પ્રવૃત્તિઓ, પશુઓનું સંવર્ધન અને લોકોના પ્રવાહને રણના ટાપુઓ અથવા બેટ્સ પર વેગ મળ્યો છે.
6 – 30-35% વસતી સંરક્ષિત વિસ્તારની બહાર રહે છે અને માણસ અને જંગલી ગધેડા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે.
7 – ઘુડખરને એક્સપ્રેસ હાઇવે પર વધુને વધુ અસર કરી છે.
8 – પાકિસ્તાની સાથેની આંતરરાષ્ટ્રીય સીમાને ફેન્સીંગ કરવામાં આવી છે જેનાથી ઘુડખર ત્યાં નથી જઈ શકતા.
હિજરત
અભયારણ્ય વિસ્તાર છોડીને રાપર-ભચાઉ તાલુકાના ગામતળ વિસ્તારોમાં હિજરત કરી રહ્યાં છે. તેનું કારણ માથાભારે તથા વગદાર માણસોએ મીઠાના અગરો માટે 1 લાખ એકરમાં દબાણ કરી દીધું છે. અલભ્ય જંગલી ગધેડાના અસ્તિત્વ પર મોટું જોખમ ઊભું થયું છે. જેનું કારણ મીઠાના અગર, કેમિકલની ફેક્ટરી, સૂર્ય ઉર્જા માટે જમીન આપી દેવી અને ગેરકાયદે દબાણો છે.
અભયારણ્યમાં માર્ગો
જાન્યુઆરી 2020માં પાટણના સાંતલપુરથી કચ્છના ઘડુલી સુધી નવો માર્ગ બનાવતી વખતે ઠેકેદાર દ્વારા તમામ નિયમોને નેવે મુકીને કચ્છના રણમાં આવેલા અભિયારણ્યમાં માટી ખોદી માર્ગમાં નાંખવામાં આવી હતી. અભારણ્યમાં કરેલા ખાડા ઘુડખર માટે મોત સમાન છે. વન્યજીવો માટે જોખમ ઉભું થવા પામ્યું છે. આ વિસ્તારની સંપૂર્ણ જવાબદારી અભયારણ્યના અધિકારીની છે છતાં તેઓ પગલાં ભરતાં નથી અને સરકાર તેમની સામે પગલાં ભરચી નથી.
હ્ડકીયા ક્રિકમાં 117 નદી – નાળા
કચ્છના નાના રણમાંથી માળિયા પાસેની હ્ડકીયા ક્રિકમાં ચોમાસામાં મચ્છુ, ઘોડાધ્રોઈ ,બ્રામણી , બનાસ, ચન્દ્ર્ભાગા, ફાલ્કુ, રૂપેણ સરસ્વતી, ગંગાવતી, ખારી, ડોકામારડી સાથે 117 નદી અને વોકળાનું પાણી આવે છે. જે રાજથાનથી હ્ડકીયા ક્રિકમાં થઇને દરિયામાં મળે છે.
બે લાખ હેક્ટર પર દબાણ
હડકીયા ક્રિકમાં ગેરકાયદેસર દબાણ કે 20 ફૂટ ઉંચા પાળા કરવામાં આવતાં લોકોને પુરના પાણીનો ખતરો દર વર્ષે ઊભો થયો છે. 10 ઉદ્યોગપતીઓએ બે લાખ એકર જમીનમાં દબાણ કરી દેવાયું છે. ઘુડખર અભ્યારણ પણ આવેલું છે. રક્ષિત વિસ્તારમાં મોટા મીઠાના અગરો બની ગયા છે. સરકાર પગલાં ભરતી નથી.
પાળા બનતાં ચોમાસાના પાણીને દરિયામાં જવાનો માર્ગ તેમજ દરિયાના ભરતીના પાણીને રણ તરફ જવાના માર્ગ બંધ થઈ ગયો છે. ચોમાસામાં વારંવાર પુર આવે છે.
ખેતરમાં પુરના પાણી ફરી વળે છે. નેશનલ હાઇવે તેમજ રેલ્વે ટ્રેકને પણ નુકશાન થયેલા છે. 4 જીલ્લાના ઘણા ગામોને અસર થાય છે. ખેતીની જમીન, ગામડાઓમાં મકાન, મીઠાના નાના નાના અગરો, માચ્છીમારોને અસર થઈ છે.
200 ગેરકાયદે અગરો
કચ્છના નાના રણમાં મીઠાના અગરો ગેરકાયદે ચાલે છે. ભચાઉ અને રાપર તાલુકાના રણમાં 200થી વધુ મોટા મીઠાના અગરો આધુનિક મહાકાય મશીનરી સાથે ધમધમી રહ્યા છે.
ઘુડખર પ્રજાતિના અસ્તિત્વ ઉપર જોખમ સર્જાયું છે.
ઘુડખર અભયારણ્યમાં ફેક્ટરી
મોરબાની હળવદમાં કચ્છના નાના રણમાં આવેલા ટીકરમાં ઘુડખર અભયારણમાં ઉદ્યોગ સ્થાપવાની પરવાનગી ન હોવા છતાં ફેકટરીઓ ચાલું કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર મીઠાના પ્રોસેસિંગ યુનિટ, સિલિકોનનું ઉત્પાદન તેમજ ઝીંક સોલ્ટનું ઉત્પાદન થાય છે. સિલિકોનની ફેક્ટરી દ્વારા એસિડીક પાણી છોડીને ઘુડખરના અસ્તિત્વ પર જોખમ ઉભું કર્યું હતું. શિવાય ઇન્ડસ્ટ્રી, કેમસ્ટોન ઇન્ડસ્ટ્રી, ખાણપણ ઇન્ડસ્ટ્રી, શિવકૃપા ઇન્ડસ્ટ્રી અને અન્ય એક કંપનીના વીજળી પણ આપી દેવામાં આવી હતી.
સાંતલપુર ઘુડખર અભયારણ્ય નજીક કેમિકલની 5 ફેકટરીઓ ચાલી રહી છે.
રણ વેચી માર્યું
2013માં કચ્છના નાના રણ જેમાં ઘુડખર અભયારણ્ય છે તે રૂ. 100 કરોડમાં વેચી દેવાયું હતું. ગેરકાયદે પાવર ઓફ એટર્ની કરી અપાયા હતા. તેની સામે વાંધો ઉઠાવનારા ઉપર હુમલો પણ કરાયો હતો. કચ્છના સુરજબારીથી માણાબાની જમીન પર ગેરકાયદે પાયા બંધાઈ ગયા છે. રૂ. 10 લાખથી માંડીને રૂ. 1 કરોડની 100થી વધુ ગેરકાયદે નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની ખોરી રીતે કરી દેવામાં આવી હતી.
કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના નાના રણનો મોટો હિસ્સો રૂ. 100 કરોડમાં વેચી મારવામાં આવ્યો હતો. મીઠાના અગરની લીઝો પૂરી થઇ ગઇ હોવા છતાં ત્યાં મીઠાના અગરો ચાલે છે.
જમીન દબાવીને બીજાને વેચી મારવામાં આવી રહી છે. સેંકડો ટ્રેક્ટર તથા હિટાચી મશીન સતત રણમાં દોડી રહ્યાં છે. જ્યાં અલભ્ય ઘુડખર દોડતાં હતાં ત્યાં આ ભારેખમ વાહનો દોડે છે.
ભાજપ જવાબદાર
ઘુડખર સહિતના પ્રાણીઓને નુકસાન થતું હોવા છતાં કરોડો રૂપિયા કમાઇ લેવા ભૂમાફિયાઓ બેલગામ રીતે મીઠાની ખેતી કરે છે. સુરેન્દ્રનગરના ભાજપના એક ધારાસભ્ય બચાવી રહ્યાં હતા. ભૂમાફિયાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના આગેવાનની મદદ લઇને મીઠાના અગરોમાં ભીનું સંકેલી લીધું હતું.
અભયારણ્યમાં લાખોટન ગેરકાયદે મીઠું પકવીને કરોડો રૂપિયા કમાતાં ઉદ્યોગપતિઓને પકડવાના બદલે નાના લોકોને પકડી લઈને બચાવી લેવામાં આવે છે. નેતાઓ ભ્રષ્ટાચાર કરતાં હોવાથી અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરે છે. ગાંધીનગરથી આદેશ કરાવી રાજકોટ એસીબીની એક ટ્રેપ રાતોરાત ગોઠવી કાઢી હતી. જેમાં આરએફઓને લાંચના છટકામાં ફસાવી દીધા હતા. માફિયા તત્વોના લોકોએ આરએફઓના ટેબલ પર રૂપિયા ગોઠવી દીધા હતા. માફિયાઓને બચાવવા ધારાસભ્ય દ્વારા ગાંધીનગરમાં ધમપછાડા વારંવાર કરવામાં આવે છે