Gujarat : તમને યાદ હશે કે 2015માં પાટીદાર અનામત આંદોલનથી પટેલ સમાજના એક ખૂબ જ યુવાને આનંદીબેન પટેલ સરકારને હચમચાવી મુકી હતી અને તે યુવાનનું નામ હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલને કોંગ્રેસે મોટી જવાબદારીઓ સોંપી હતી અને હાર્દિકને કોંગ્રેસે રાજકીય રીતે રાષ્ટ્રીય ફલક પર લોંચ કર્યો હતો.
2015 થી લઈને 2022 સુધી માત્ર સાત વર્ષમાં જ હાર્દિક પટેલ રાજકારણમાં લોન્ચ થયા અને સીધા ભાજપમાંથી ટીકીટ મેળવી વિરમગામ વિધાનસભામાંથી સીધા જ ગુજરાત વિધાનસભામાં પહોંચી ગયા. ભાજપમાંથી ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલની રાજકીય સફર વિરમગામ સુધી જ સીમીત થઈ ગઈ છે. ભાજપે ક્યાંક ક્યાંક પ્રચારમાં પણ હાર્દિકનો લગભગ નહીંવત જેવો ઉપયોગ કર્યો છે. એનું કારણ છે કે હાર્દિક કરતાં પણ મોટા ગજાનાં નેતાઓ ભાજપમાં છે અને તેઓ પાટીદાર સમાજ કે અન્ય સમાજો સાથે હાર્દિક પટેલ સિવાય પણ રાજકીય મેનેજ અને ચૂંટણીલક્ષી મેનેજ કરવામાં પાવરધા છે. આમ પણ જ્યાંં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ દેશનાં સુકાની હોય તો ત્યાં હાર્દિકનું ભાજપ ગયા પછીનું સાવ ઢેબે ચઢી ગયું હોવાનું લાગે છે.
કોંગ્રેસની વાત કરીએ તો હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડતી વખતે ગુજરાત કોંગ્રેસથી લઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસની સેન્ટ્રલ નેતાગીરી તેમજ ગુજરાતની નેતાગીરી સામે ખાસ્સા એવા પ્રહારો કર્યા હતા અને હાર્દિકે કહ્યું હતું કે હું તો મોદીજીનો પહેલાથી પ્રશંસક છું અને ક્યાંય પણ ગયો ન હતો, ભાજપમાં જ હતો. હાર્દિક પટેલને લાલબત્તીની ગાડીના ખેવના હતી પણ ભાજપ જેનું નામ છે, એ દરેકને કદ પ્રમાણે પદોની વહેંચણી કરે છે. હાર્દિકે કેબિનેટમાં બેસવા માટે લાંબી રાહ જોવાની રહે છે, હાલ તો ધારાસભ્ય તરીકેનાં ફાયદાઓ ઉઠાવવાનો સમય છે.
બીજી વાત એ છે કે વિરમગામમાં હાર્દિકની સામે હવે કોંગ્રેસ નવી તૈયારી સાથે કામે લાગી છે. આમ આદમી પાર્ટી પણ ધીમે ધીમે વિરમગામમાંં હાર્દિકની સામે અત્યારથી જ મજબૂત નેતાની શોધમાં પડી ગઈ છે.
આ બધાની વચ્ચે લોકો કબૂલી રહ્યા છે કે વર્તમાન સમયમાં કોંગ્રેસનો પનોતીકાળ ચાલે છે પણ જતે દિવસે કોંગ્રેસ ફરી એક વાર રાખમાંથી ઉભી થશે. જાણકારો કહી રહ્યા છેકે બહુ જ ટૂંકા ગાળામાં હાર્દિકે પક્ષ પલટો કર્યો પરંતુ ગુજરાતના જ નહીં પણ પાટીદાર સમાજના રાષ્ટ્રીય ચહેરા બનવાની તક તેમણે ગુમાવી છે.
ગુજરાતમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટો મળી છે એમાં હાર્દિક પટેલ એમ નહી જ કહી શકે કે મારા કારણે ભાજપનો વિજય થયો, આવું કદાપિ બોલી જ શકે નહીં. જ્યારે કોંગ્રેસે 2017માં ભાજપને બહુમતિ સુધી પહોંચવામાં ફિણ લાવી દેનારા હાર્દિક પટેલે કોંગ્રેસને મળેલી 80 સીટો માટેની ક્રેડિટ લેવામાં ક્યાંય પણ પાછીપાની કરી ન હતી.
વિરમગામ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં હાર્દિક પટેલને 99,155 વોટ મળ્યા હતા.આપના ઉમેદવાર અમરસિંહ ઠાકોરને 47,448 વોટ મળ્યા, જ્યારે ત્રીજા સ્થાને આવેલા કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડને 42,724 વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારની લોથ વાળી કે કોંગ્રેસ આપના ઉમેદવારની લોથ વાળી એ વાત વોટ પરથી માલમ પડે છે. આપ અને કોંગ્રેસના વોટ ભેગા કરીએ તો ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીતનું માર્જિન 9 હજારની આસપાસ પહોંચે છે. જો આપ અને કોંગ્રેસની યુતિ હોત તો વિરમગામનું પરિણામ વિપરીત પણ આવી શક્યું હોત, પણ આ વાત ‘જો’ અને ‘તો’ છે. હાર્દિક પટેલ ભાજપમાં છે અને વિરમગામને વિકસિત કરવાના પ્રયાસોમાં છે, જોઈએ વિરમગામને હાર્દિક પટેલ કેવા રુપ રંગ આપે છે.