ગાંધીનગર- ગુજરાતમાં જેલના કેદીઓ માટે અચ્છે દિન આવ્યા છે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે રાજ્યની જેલોમાં રહેલા 1200 જેટલા કેદીઓને બે માસ માટે પેરોલ કે ઇન્ટ્રીમ બેલ પર મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં જેલોમાં કેદીઓનો ભરાવો રોકવા માટે નિયમ પ્રમાણે 1200 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ જેલોમાં કેદીઓને ના થાય તે હેતુથી કાચા અને પાકા કેદીઓને મુક્ત કરાશે. આ કેદીઓને કાયમ માટે નહીં પરંતુ બે મહિના માટે મુક્ત કરાશે. જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અન્ડર ટ્રાયલ કાચા કામના કેદીઓને ઇન્ટરીમ બેલ આપવામાં આવશે.
આ કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે. એટલું જ નહિ, જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણ લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. કેદીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે. જેલના કર્મચારીઓ તેમને ઘરે મૂકવા જશે.
અશ્વિનીકુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 5500 જેટલા લોકોએ કુલ 25 કરોડનું દાન ભંડોળ મુખ્યમંત્રી નિધિમાં આપેલું છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5 કરોડ, ક્રેડાઇ 5 કરોડ, મેઘા એન્જીનીયરીંગ 1 કરોડ, ગણેશ હાઉસીંગ કોર્પોરેશન 51 લાખ, પોલીકેબ ઇન્ડીયા 50 લાખ, થરાદ જૈન સંઘ 21 લાખ, આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ 11 લાખ 11 હજાર, અસ્ટ્રાલ પોલિટેકનીક 12.50 લાખ અને વલ્લભવિદ્યાનગર કો.ઓ. બેન્ક 5 લાખ મુખ્ય છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વસવાટ કરતા નિરાધાર, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને તથા નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ભોજન આપવાની જે ટહેલ નાખી છે તેને પગલે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 5.39 લાખ ફૂડ પેકેટસનું જિલ્લા તંત્રવાહકોએ સેવા સંગઠનોના સહયોગથી વિતરણ કર્યુ છે.
રાજ્ય સરકારે શરૂ કરેલા સ્ટેટ કંટ્રોલરૂમના હેલ્પલાઇન 1070 નંબર ઉપર અત્યાર સુધીમાં 908 કોલ્સ મદદ માટેના અને જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ હેલ્પ લાઇન 1077ને 3866 કોલ્સ મળ્યા છે.