ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો આપશે
ગાંધીનગર- ગુજરાતમાં પર્યાવરણની રક્ષા માટે ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આગામી વર્ષે રાજ્ય સરકારે ત્રણ લાખ રહેણાંકના મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની યોજના બનાવી છે. એ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ વાહનો ઉપરાંત ઇ-રીક્ષા લોંચ કરશે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે રહેઠાણના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા સરકારે 912 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે. સ્કૂલના બાળકોને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો ખરીદવા માટેની મંજૂરી આપશે. પ્રથમ તબક્કે 10,000 વિદ્યાર્થીઓને આવા વાહનો અપાશે, જ્યારે રાજ્યમાં 40,000 રૂપિયાની સહાય સાથે બેટરી સંચાલિત ઇ-રીક્ષા ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે.
ગુજરાત સરકારે 5922 કરોડ રૂપિયાના ગ્રીન બજેટની જાહેરાત કરી છે જે અંતર્ગત આ સાધનો આપવામાં આવશે. સરકાર 800 લાભાર્થીઓને ઇ-રીક્ષા આપશે. આ ઇલેક્ટ્રોનિક વાહનોના ચાર્જિંગની વ્યવસ્થા માટે રાજ્યના શહેરોમાં ચાર્જિંગ પોઇન્ટ્સ પણ ઉભા કરાશે તથા બેટરી સંચાલિત તથા સૌર આધારિત ટ્રેક્ટરો ખરીદવા માટે ખેડૂતોને રૂપિયા બે લાખની સબસિડી સહાય પણ અપાશે.
ક્લાઈમેટ ચેન્જ અંગે જનજાગૃતિ આવે તે આશયથી રાજ્યનો ‘સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ’ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આઈઆઈટી, ગાંધીનગર અને આઇઆઇએમ, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રતિ દિવસની અઢી લાખ લીટર કુલ ક્ષમતાના સૌર ઊર્જા આધારિત ગરમ પાણીના પ્લાન્ટ નિર્માણ કરાશે.
રાજ્યની ગૌશાળા-પાંજરાપોળ ખાતે 60 સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ નિર્માણ કરી કાર્યાન્વિત કરાશે. એ જ રીતે રાજ્યની ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ ખાતે 2000 નંગ સુધારેલ સ્મશાન ભઠ્ઠીઓ સ્થપાશે. તેમજ સરકારી શાળા-છાત્રાલયોમાં 18500 નંગ એલ.ઈ.ડી. ટ્યુબલાઇટ તથા 18,500 નંગ ઉર્જા કાર્યક્ષમ પંખા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.