ગાંધીનગર— ગુજરાતમાં કોરોના સામેના જંગમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર હિરો બની ગયા છે. દિનરાત એક કરીને તેઓ તેમના વિભાગને જીવંત રાખી રહ્યાં છે જ્યારે બીજી તરફ કોરોના પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે વહીવટમાં ખટરાગ ચાલી રહ્યો હતો તે દૂર થયો છે. આ બન્ને નેતાઓ ભાઇ-ભાઇ હોય તેમ રાજ્યની જનતા માટે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યાં છે.
ગુજરાત સરકારના વહીવટી તંત્રને સલામ છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારે શરૂ કરેલો પ્રયોગ અભિનંદનને પાત્ર છે. તેમણે મહેસૂલ વિભાગના તમામ અધિકારઓ, જિલ્લા કલેક્ટરો અને મહેસૂલની કચેરીઓને રાત્રી સુધી ચાલુ રખાવી વેપારીઓ અને લારી-ગલ્લાવાળાના ઓળખકાર્ડ બનાવડાવ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર કચેરીઓને ધમધમતી કરી છે, એટલું જ નહીં ટ્વિટર કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી કોઇ વ્યક્તિ ફરિયાદ કરે તો ખુદ પંકજકુમાર તેનું નિરાકરણ કરી રહ્યાં છે.
ટ્વિટર પર કોઇ નાગરિક એવી ફરિયાદ કરે કે અમારા વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નથી ત્યારે તેઓ વિસ્તાર અને મહોલ્લો પૂછીને જિલ્લા કલેક્ટરને સીધો આદેશ કરે છે અને જ્યાં અછત હોય ત્યાં પુરવઠાની વ્યવસ્થા કરાવે છે. ગુજરાત સરકારના બહુ ઓછા અધિકારીઓ સોશ્યલ માધ્યમથી લોકોના પ્રશ્નોનો નિકાલ લાવતા હોય છે.
લોકડાઉનની સ્થિતિમાં જ્યારે અનાજ, કરિયાણા અને દૂધ જેવી સામગ્રીનું વિતરણ કરતી દુકાનો પાસે ભીજ એકત્ર ન થાય તે માટે તેમણે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં વ્હાઇટ કલરથી કુંડાળા કરાવીને લોકોને એક મીટર દૂર ઉભા રાખવાની પ્રથા શરૂ કરાવી છે. આજે આખા રાજ્યમાં લોકો ચીજવસ્તુ લેવા નિકળે છે ત્યારે આ સિસ્ટમને અનુસરવાનું હોય છે.
કહેવાય છે કે આફતના સમયમાં સરકાર જ વહારે આવે છે, કારણ કે તેની પાસે સમગ્ર વહીવટી તંત્ર છે. મહેસૂલ વિભાગના આ અધિકારી સરકાર માટે ફાયર ફાઇટરનું કામ કરે છે. કુદરતી આપત્તિમાં તેઓ અગ્રેસર હોય છે. ગુજરાતમાં વાવાઝોડાની નોબત હોય કે ભારે વરસાદની નોબત આવે, પંકજકુમાર ખડેપગે હોય છે. લિડરશીપના તેમનામાં ગજબના ગુણ છે. આવા જ બીજા એક અધિકારી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા છે. તેઓ પણ સોશ્યલ મિડીયામાં એક્ટિવ છે. અમદાવાદમાં પુરવઠાની સ્થિતિ પર તેમની સીધી વોચ છે. તેઓ મોટાભાગની સૂચનાઓ ટ્વિટરના માધ્યમથી આપે છે.
કોરોના વાયરસની આફતમાં રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ પણ ખડેપગે છે. તેઓએ તેમના વિભાગનો મોરચો સંભાળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રતિદિન ક્વોરન્ટાઇન કરેલા લોકોની સાથે ટેલીફોનિકથી વાચચીત કરી રહ્યાં છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માસ્ક કે સેનેટાઇઝર વિના લોકોની સેવા કરવા વચ્ચે દોડી જાય છે. સુરત અને અન્ય શહેરોમાંથી પગપાળા વતન જવા નિકળેલા શ્રમિકો માટે તેમણે રસ્તા વચ્ચે ઉભા રહીને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપી છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્વોરેન્ટાઇન થયેલા દર્દીઓ તેમજ તેમની સેવા કરી રહેલા ડોક્ટરો સાથે વાત કરીને તેમને હોસલો બુલંદ બનાવી રહ્યાં છે. કોરોનાના કારણે સરકારમાં કેટલાય લોકોની દુશ્મની ભૂલાઇ ચૂકી છે, કારણ કે હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 21 દિવસના લોકડાઉનને કોંગ્રેસે પણ સપોર્ટ કર્યો છે અને મુખ્યમંત્રીને મળીને કોંગ્રેસના નેતાઓએ મદદની તૈયારી બતાવી હતી.