Gujarat Government: વિધાનસભામાં AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ: ‘નમોના નેતૃત્વમાં ખીલ્યું ગુજરાત, દેશના નકશામાં છે ખાસ’
ગાંધીનગર, શુક્રવાર
Gujarat Government: રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભામાં રાજ્યપાલના ઉદ્બોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણમાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે, જે નિરર્થક છે. કોંગ્રેસે તેના શાસન દરમિયાન ૮૬ વખત સુધારા કરીને સંવિધાનનું અપમાન કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થતા આપણા દેશનું સંવિધાન અખંડ બન્યું છે. વડાપ્રધાન મોદીએ રામરાજ્યની આદર્શ કલ્પનાને સાકાર કરી છે, અને આજે ભગવાન શ્રી રામલલ્લા નિજમંદિરમાં બિરાજ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪ કરોડથી વધુ પરિવારોના ઘરના સપનાઓ સાકાર થયા છે.
યોજનાઓને આધાર સાથે જોડવામાં આવતા ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરથી વચેટિયા અને દલાલી પ્રથાઓ હવે ઈતિહાસ બની ગઈ છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સુશાસનની અનુભૂતિ થઈ રહી છે.
ગુજરાતનો કૃષિ વિકાસ અને સમૃદ્ધિ:
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આજે રાજ્યમાં અછત, કટોકટી, તંગી અને ભૂખમરો જેવા શબ્દો માત્ર ઈતિહાસ બની ગયા છે. ગુજરાત મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડા જેવા પાકોના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૦૫.૮૮ લાખ હેક્ટર છે, જ્યારે પિયત વિસ્તાર ૭૦ લાખ હેક્ટર પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કુલ પાકનું ઉત્પાદન 519.74 લાખ મેટ્રીક ટન સુધી પહોંચ્યું છે.
કાયદો અને વ્યવસ્થા:
તેમણે જણાવ્યું કે, રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે. તહેવારોમાં હવે ઉચાટ નહીં, પણ ઉજવણીનો માહોલ હોય છે. પહેલા કોંગ્રેસના શાસનમાં પીડાદાયક અને વિકાસથી વંચિત ગુજરાત હતું, જ્યારે આજે ભાજપના નેતૃત્વ હેઠળ રાજ્ય ભૂખ, ભય અને ભ્રષ્ટાચારમુક્ત બની રહ્યું છે.
ગામડાઓમાં પિયત અને પાણી:
કૉંગ્રેસના શાસનમાં પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ ન હતો, જ્યારે અમારી સરકારે માત્ર ગામોની ગણતરી કરી નથી, પણ દરેક ઘરને “નલ સે જલ” યોજના હેઠળ પાણી પહોંચાડ્યું છે. સિંચાઈ ક્ષેત્રે પણ રાજ્યએ મોટો વિકાસ કર્યો છે. પાનમ, કડાણા અને અન્ય નાના-મોટા ચેકડેમો થકી પિયત વિસ્તાર ૫૦,૦૦૦ હેક્ટર વધારવામાં સફળતા મળી છે.
વિધાનસભામાં AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ:
વિધાનસભામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ કરતા કહ્યું:
ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો,વિકાસના પંથે ડગલેને પગલે ઝૂમ્યો.
નર્મદાના નીરથી ખીલી છે વાડીઓ,ઉદ્યોગોના વિકાસથી દોડી રહી છે ગાડીઓ.
શિક્ષણ, આરોગ્ય, સૌને સમાન તક મળી,ખેડૂત, વેપારી, સૌની મહેનત ફળી.
નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત,દેશના નકશામાં, અલગ છે એની ભાત.
સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્ર થયો સાકાર,ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવા વિકાસને આકાર…