Gujarat: સપ્ટેમ્બરમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત, 7 હજાર ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે, ત્યારે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. આ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બે થી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે. રાજ્યની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છે. ગામનું સંચાલન તલાટીના માથે આવી પડ્યું છે. ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૃંધાઈ રહ્યો છે.
રસ્તા, પાણી, આરોગ્ય, સફાઈ તેમજ દાખલા જેવી અનેક સમસ્યા ઉભી થઈ છે.
આ ઉપરાંત, તલાટી પાસે એક થી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે, ત્યારે તલાટી એક ગામમાં રહીને સમસ્યાઓને ન્યાય આપી શકતો નથી. આવા સંજોગોમાં વહીવટદાર રાજ ખતમ થાય અને વહેલાસર ચૂંટણી યોજાય તે જરૂરી છે.
છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી આ ચૂંટણી હાલ તો આગામી નવરાત્રી દરમિયાન યોજાય તેવા સંકેત છે. રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ગત ઓગષ્ટ મહિનામાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરી પંચના રિપોર્ટ બાદ ઓબીસી અનામત 27 ટકા કરવાની જાહેરાત ગત ઓગષ્ટ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
ઝવેર કમિશનના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્તારે પરુ ને શહેરી વિસ્તારમાં 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે તેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકો જિલ્લા પંચાયતોમાં 105 થી વધીને 229 અને 248 થી વધીને 1,085, રાજ્યની કુલ 14562 ગ્રામ પંચાયતોમાં 12,750 થી વધીને 25347 બેઠકો એ જ રીતે નગરપાલિકામાં પણ મોટાપાયે બેઠકો વધી રહી છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.
જેમાં અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂરી કરવાની સાથે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે અને મતદાર મંડળો રચાશે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ગ્રામ્ય સ્તરનું સંગઠન મહત્ત્વની ભૂમિકા અદા કરતું હોય છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધો ભાગ લેતું નથી પણ તે પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતા હોય છે.