E-Nagar Project : ગુજરાતની 159 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા હવે E-Nagar પ્રોજેક્ટ હેઠળ, જાણો કઈ કઈ સુવિધાઓ મળશે!
રાજ્યની 159 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાઓને “ઇ-નગર” પ્રોજેક્ટમાં જોડવામાં આવી છે, જે 9 મોડ્યુલ્સ અને 42 સેવાઓ સાથે નાગરિકોને ડિજિટલ સરળતા પ્રદાન કરે
આ સેન્ટ્રલાઇઝડ પ્લેટફોર્મ નાગરિકોની અરજીઓને સમયસર ઉકેલવા અને ઇ-ગવર્નન્સના લાભોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ
ગાંધીનગર, સોમવાર
E-Nagar Project : રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઇ-નગર પ્રોજેક્ટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશનને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 159 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાઓને જોડવામાં આવી છે, જેથી નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી ઉપલબ્ધ થાય.
કઈ સેવાઓ મળશે?
“ઇ-નગર” એ શહેરી નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ ઉપલબ્ધ કરાવતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ 9 અલગ અલગ મોડ્યુલ્સ અને 42 સેવાઓ પ્રદાન કરે છે. તેમાં મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમીશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ અને નાગરિક ફરિયાદો જેવી અનેક સેવાઓનો સમાવેશ થાય છે.
ઇ-ગવર્નન્સના ફાયદા
રાજ્ય સરકારે ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ હેઠળ તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને એકમાત્ર પ્લેટફોર્મ પર લાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમનો ઉદ્દેશ નાગરિકોની અરજીઓને સમયસર અને યોગ્ય ઉકેલ સાથે નિવારણ કરવો છે. “ઇ-નગર” પ્રોજેક્ટ શહેરી નાગરિકોની જીવનશૈલીમાં ડિજિટલ પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.