ગાંધીનગર- ગુજરાતમાં સહકારી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો થવા પાછળ ભાજપનું રાજકારણ છે. સહકારી સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ જળવાઇ રહે તે માટે આ નવી સંસ્થાઓ ખૂલતી જાય છે. સહકારી મંડળીઓની સંખ્યામાં એક વર્ષમાં 4.5 ટકાનો સીધો વધારો થયો છે, જેની સાથે બિન ધિરાણ મંડળીઓની સંખ્યામાં તો 35 ટકા જેટલો વધારો છે. છેલ્લા એક વર્ષમાં 3428 મંડળીઓ વધી છે.
ગુજરાતમાં જ્યારે ભાજપના શાસનની શરૂઆત થઇ ત્યારે સહકારી માળખામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ મોદીના આવ્યા પછી તે પણ તોડી નાંખવામાં આવ્યું છે. ભાજપના તે સમયના મોદીના મિત્ર અમિત શાહે એક પછી એક સહકારી સંસ્થાઓમાં ભાજપનો પગપેસારો કરાવ્યો હતો. ધીમે ધીમે કોંગ્રેસના નેતાઓ દૂર થતાં ગયા અથવા તો ભાજપમાં જોડાઇ ગયા અને કોંગ્રેસનું વર્ચસ્વ તૂટી ગયું. આજે બહુ ઓછી સંસ્થાઓ એવી છે કે જેમાં કોંગ્રેસની બોડી છે.
ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જેવી મજબૂત સંસ્થાઓ પર કબજો લઈ લીધા બાદ હવે વિસ્તારવાદ શરૂં કર્યો છે. સહકારી મંડળીઓ વધારવામાં આવી રહી હોવાનું કારણ પોલિટીકલ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે છે ત્યારે સહકારી માળખાના જોરે ભાજપ સત્તા હાંસલ કરવા માગે છે.
ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી, રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સહકારી મંડળી, સામુદાયીક ખેતી મંડળી, પીયત સહકારી મંડળીઓ, નર્મદા પીયત સહકારી મંડળી, ઔદ્યોગિક સહકારી મંડળી, તમાકુ ઉત્પાદક સહકારી મંડળી, ગોપાલક સહકારી મંડળી, બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી, પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી અને બીજ ઉત્પાદના વેચાણ/રૂપાંતર સહકારી મંડળી નવી બની છે.
એ ઉપરાંત કોટન સેલ, જીનીંગ-પ્રેસીગ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મરઘા ઉછેર મંડળીઓ, મત્સ્ય મંડળીઓ, સુપર વાઈઝીંગ યુનીયન, સુગર ફેકટરીઓ, શાક અને ફળફળાદિ મંડળી, તેલીબીયા ઉન્પાદક મંડળી, પશુ ઉછેર મંડળીઓ, વૃક્ષ ઉછેર મંડળીઓ તથા ફુલ ઉત્પાદક મંડળીઓ જેવી નવી મંડળીઓ ઉમેરવામાં આવતાં સંખ્યા અને વ્યાપ વધી રહ્યો છે.
ગુજરાતમાં માર્ચ 2008ના અંતે સહકારી મંડળીઓની સંખ્યા 62342 હતી તે માર્ચ 2019માં વધીને 79365 થઇ છે જ્યારે 2020માં આ સંખ્યા 80,000 જેટલી થઇ છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 15000 જેટલી સહકારી મંડળીઓ વધી છે.