- રસીમાં 400 કરોડનું ખર્ચ છતાં ગુજરાત 21માં સ્થાને
અમદાવાદ
Gujarat: ગુજરાતમાં 10 બાળ રસી મૂકવા માટે એક બાળક પાછળ સરકાર રૂ. 36 હજાર ખર્ચ કરે છે.
Gujarat: રાજ્યના 13 લાખ બાળકોને રૂ. 408 કરોડની કિંમતની રસી સંપૂર્ણપણે નિશુલ્ક આપવામાં આવે છે. પણ ગુજરાત સરકાર રસી આપવામાં પૂરતું ધ્યાન આપતી ન હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. દેશમાં 21માં ક્રમે ગુજરાત રસીકરણમાં ધકેલાઈ ગયું છે.
ભાજપ સરકારની નબળી કામગીરીની સીધી અસર ગુજરાતના ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય પર પડી છે. બીજી બાજુ કોરોનાની રસીના કારણે હજારો લોકોના જીવન સામે જોખમ ઊભું થયું છે. હૃદય હુમલા વધી ગયા છે.
જન્મથી લઇ 16 વર્ષની ઉંમર સુધીના બાળકોને ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડીપ્થેરીયા, ઊંટાટીયુ, ધનુર , હીબ બેક્ટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા સામે રક્ષણ આપવા માટે 10 પ્રકારની રસી ગુજરાતમાં અપાય છે.
રાજ્ય સરકાર દ્વારા આ રસીના જથ્થાનો સંગ્રહ આઇ.એલ.આર.(આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર)માં કરવામાં આવે છે. જેમાં તાપમાન નિયત કરેલ 2 થી 8 ડિગ્રીમાં જળવાઇ રહે, જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે.
ગુજરાતમાં રસી આપવામાં ભાજપની સરકાર ભારે બેદરકાર છે. બીજા રાજ્યો કરતા અને રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ગુજરાતમાં માત્ર 76.3 ટકા બાળકોને જ રોગપ્રતિરક્ષા રસીકરણ કરી શકાય છે.
રાષ્ટ્રીય પરિવાર અને કલ્યાણ સર્વે – 5 ના પરિણામો અનુસાર 12 મહિનાની આયુ ધરાવતા બાળકોની રોગપ્રતિરક્ષા રસીકરણ અંગેના અહેવાલમાં બાળકોને રસીકરણમાં અસમાનતા સાથે DTP3 – ડીપ્થેરીયા, ટીટાનસ, પરટુસીસ રસીમાં પાછળ છે.
પં.બંગાળ 87.7 ટકા, જમ્મુ-કાશ્મીર 86.2 ટકા, રાજસ્થાન 80.4 ટકા, છત્તીસગઢમાં 79.7 ટકા અને મધ્ય પ્રદેશ 77.10 ટકા રોગ પ્રતિરક્ષા રસીકરણની કામગીરી થયેલી છે.
90.5 ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરિસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત 21માં ક્રમ સાથે છેવાડાનું રાજ્ય બનાવી દેવાયું છે.
33 જિલ્લામાં 27 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 171 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 2828 પેટા આરોગ્ય કેન્દ્રની લાંબા સમયથી ઘટ છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 185, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 162, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં 256 અને જિલ્લા હોસ્પિટલમાં 173 ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે.
રાજ્યમાં 344 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની 2064 જરૂરિયાત સામે માત્ર 206 ડોક્ટર ફરજ બજાવે છે. 1858 સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી છે. 90 ટકાથી વધુ જગ્યા ખાલી છે.
ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે.
રાજ્ય – ટકા રસીકરણ
દાનહ, દમણ-દીવ- 94.9
ઓડિસા- 90.5
હિમાચલ પ્રદેશ- 89.3
તમિલનાડુ- 89.2
લદાખ- 88.2
વેસ્ટ બંગાળ- 87.8
જમ્મુ અને કાશ્મીર- 86.2
લક્ષ્યદીપ- 86.1
કર્ણાટક- 84.1
પોંડીચેરી- 82
ચંદીગઢ- 80.9
ઉત્તરાખંડ- 80.8
સિક્કીમ- 80.6
રાજસ્થાન- 80.4
છત્તીસગઢ- 79.7
તેલંગાણા- 79.1
અંદમાન નિકોબાર- 77.8
કેરાલા- 77.8
મધ્યપ્રદેશ- 77.1
હરિયાણા- 76.9
ગુજરાત- 76.3