Gujarat Assembly : ગુજરાત વહીવટ વધુ મજબૂત બનશે: 2025માં 30 IAS અધિકારીઓ જોડાશે; વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
2025 દરમિયાન ગુજરાતમાં કુલ 30 નવા IAS અધિકારીઓની નિમણૂક થવાની છે, જેમાં બઢતી અને સીધી ભરતી દ્વારા અધિકારીઓનો સમાવેશ થશે
હાલ રાજ્યમાં 313 મંજૂર IAS પદોમાંથી 56 જગ્યાઓ ખાલી છે, જેની ભરતી માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Assembly : ગુજરાત વિધાનસભા ગૃહમાં IAS અધિકારીઓની ભરતીઓના સંદર્ભે મહત્વની ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2025 દરમિયાન કુલ 30 નવા IAS અધિકારીઓ નીમવામાં આવશે.
વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે ફેબ્રુઆરી-2025માં બઢતી દ્વારા 20 અને પસંદગી પ્રક્રિયા દ્વારા 2 અધિકારીઓ મળી કુલ 22 IAS અધિકારીઓ રાજ્યમાં જોડાશે. ઉપરાંત, ઓક્ટોબર-2025 સુધીમાં સીધી ભરતીથી 8 વધુ IAS અધિકારીઓની નિમણૂક થશે.
હાલમાં ગુજરાતમાં IAS અધિકારીઓ માટે મંજૂર થયેલ પદો 313 છે, જેમાંથી 14 અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને 56 જગ્યાઓ ખાલી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, IAS કેડરનું માળખું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથેના પરામર્શ પછી નક્કી કરે છે અને તે દર પાંચ વર્ષે સમીક્ષા કરાય છે. છેલ્લી સમીક્ષા 2018માં થઈ હતી, જેમાં ગુજરાત માટે 313 IAS પદો મંજૂર થયા હતા. તેમાં સિનિયર ડ્યુટી પોસ્ટ-170, સેન્ટ્રલ ડેપ્યુટેશન રિઝર્વ-68, સ્ટેટ ડેપ્યુટેશન રિઝર્વ-42, લીવ રિઝર્વ-28 અને ટ્રેનિંગ રિઝર્વ-05 સ્થાન ધરાવે છે.
રાજ્ય સરકારે 2024માં 30 નવી IAS પોસ્ટ્સ વધારવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી છે. હાલ, ગુજરાતમાં સીધી ભરતી માટે 218 પદો છે, જેમાંથી 190 ભરાયા છે, જ્યારે બઢતી માટેની 81માંથી 57 જગ્યા ભરી ચૂકી છે. પસંદગી દ્વારા 14માંથી 10 જગ્યા ભરાઈ છે. એટલે કે, કુલ 313માંથી 257 IAS અધિકારીઓ રાજ્યમાં સેવા આપી રહ્યા છે.
ગુજરાતમાં સીધી ભરતી દ્વારા IAS પદો ભરવાના પ્રમાણમાં રાષ્ટ્રીય સરેરાશ 83.39% છે, જ્યારે ગુજરાત 84.86% સાથે આગળ છે. તેમજ, બઢતી દ્વારા જગ્યા ભરવાના મામલે રાજ્ય 78.95% હિસ્સા સાથે રાષ્ટ્રીય સ્તરે આગળ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, 1992થી 1994 દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સીધી ભરતીના IAS અધિકારીઓની નિમણૂક અટકાવવામાં આવી હતી, જેના પરિણામે આજે પણ ગુજરાતમાં અધિકારીઓની ખોટ વર્તાઈ રહી છે.