Gujarat ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં ગુજરાતે મેળવી સફળતા
- માર્ચ 2025 માટે ગુજરાત રાજ્યમાં છૂટક ફુગાવાનો દર ફક્ત 2.63 ટકા, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નીતિઓના પગલે ફુગાવાના દર પર નિયંત્રણ
Gujarat દુનિયાભરના દેશો માટે મોંઘવારી એક ખૂબ જ મોટી સમસ્યા બની રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઝડપી આર્થિક વિકાસની સાથે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મોટી સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માર્ચ 2025 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ગુજરાતનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર (રિટેઇલ ઇન્ફ્લેશન રેટ) ફક્ત 2.63 ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 3.34 ટકા કરતા 0.71 ટકા જેટલો નોંધપાત્ર રીતે ઓછો છે. આ દર ઘણા મોટા અને વિકસિત રાજ્યો કરતા પણ ઓછો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘વિઝન વિકસિત ગુજરાત કા, મિશન જનકલ્યાણ કા’ ની પ્રતિબદ્ધતા સાથે રાજ્યનો આધુનિક વિકાસ કરવાની સાથે જ ‘ઇઝ ઓફ લિવિંગ’ ની દિશામાં પણ કામ કરી રહી છે. એક બાજુ સરકાર વિકાસ અને રોકાણ વધારવા માટે નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં નવી નીતિઓ બનાવી રહી છે, જ્યારે બીજી બાજુ નાગરિકો માટે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સ્થિર કરવા માટે પણ વિશિષ્ટ પ્રયત્નો કરી રહી છે.
ગુજરાતના ગામડાઓમાં શહેરો કરતા ઓછો ફુગાવાનો દર
ગુજરાત સરકારે નીતિગત પગલાંઓ દ્વારા ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે, જેના પરિણામસ્વરૂપે માર્ચ 2025 માટે રાજ્યનો ફુગાવાનો દર 2.63 ટકા રહ્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.61 ટકા રહ્યો, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ થોડો વધુ એટલે કે 2.70 ટકા રહ્યો. આ બંને આંકડાઓ રાષ્ટ્રીય ગ્રામીણ સરેરાશ 3.25 અને રાષ્ટ્રીય શહેરી સરેરાશ 3.43 ટકાની સરખામણીએ ઘણા ઓછા છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ વિકાસલક્ષી નીતિઓના કારણે રાજ્યના ગામડાઓમાં છુટ્ટક વસ્તુઓ સસ્તી થઈ છે અને ગામડાઓમાં શહેરો કરતા મોંઘવારી ઓછી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ ખેડૂતલક્ષી તથા ગ્રામ વિકાસલક્ષી છે, જેના કારણે ગામડાઓ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.
ફુગાવાના દરમાં ઘટાડો થવામાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ પહેલો
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ના વિઝન સાથે આર્થિક વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં ફુગાવાનો દર નિયંત્રિક કરવો એ એક મોટો પડકાર છે. પરંતુ, સરકારની રાજકોષીય સમજદારી, પુરવઠા શૃંખલામાં સુધારા, સ્પર્ધાને પ્રોત્સાહન, કાર્યક્ષમ બજાર નિયમન અને લઘુત્તમ ટેકાના ભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવી ખાદ્ય ભાવ વ્યવસ્થાપન પહેલોને કારણે ફુગાવો નોંધપાત્ર રીતે નિયંત્રણમાં રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતે ભાવ સ્થિરતા તેમજ ઝડપી આર્થિક વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઉત્તમ સંતુલન પ્રાપ્ત કર્યું છે.
મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન
ગુજરાત દ્વારા કાર્યક્ષમ રીતે ફુગાવાના સંચાલનનું આ પરિણામ છે કે રાજ્યએ મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ફુગાવાને નિયંત્રિત રાખવાની બાબતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ, ઉત્તરપ્રદેશ (3.01%), બિહાર (3.11%), મધ્યપ્રદેશ (3.12%), રાજસ્થાન (2.66%), છત્તીસગઢ (4.25%), પશ્ચિમ બંગાળ (3.17%), કર્ણાટક (4.44%), મહારાષ્ટ્ર (3.86%) અને તમિલનાડુ (3.75%) જેવા મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીએ ગુજરાત 2.63 ટકાના દર સાથે ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં અસરકારક રીતે સફળ રહ્યું છે. બીજી બાજુ કેરળ 6.59 ટકા ફુગાવાના દર સાથે દેશમાં સૌથી વધુ મોંઘવારી દર ધરાવતું રાજ્ય બન્યું છે.