GST on Apartment Maintenance Charges: લક્ઝરી એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાવધાન! મેન્ટેનન્સ પર લાગશે 18% GST
GST on Apartment Maintenance Charges: અત્યારે લક્ઝરી બંગલા કે એપાર્ટમેન્ટમાં રહેવું સામાન્ય માણસ માટે મોંઘું સાબિત થઈ રહ્યું છે. કારણ કે સરકારે હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ ચાર્જ પર 18% GST વસૂલવાનો નિર્ણય લીધો છે. જે લોકો માસિક રૂ. 7500 કરતા વધુ મેન્ટેનન્સ ચુકવે છે, તેઓને હવે આ કુલ રકમ પર જીએસટી ભરવો ફરજિયાત થશે.
હવે મેન્ટેનન્સ પર વધુ બોજો
એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે એવી સોસાયટીમાં રહો છો, જ્યાં દર મહિને મેન્ટેનન્સ તરીકે રૂ. 7500થી વધુ વસૂલવામાં આવે છે, તો હવે તમારે સંપૂર્ણ રકમ પર 18 ટકા GST ચૂકવવો પડશે. એટલે કે જો મેન્ટેનન્સ રૂ. 9000 છે, તો GST માત્ર રૂ. 1500 પર નહીં પરંતુ આખા 9000 પર લાગશે.
નિયમ નવો નથી, પણ ચર્ચા નવી
આ નવો નિયમ નથી. આ વ્યવસ્થા વર્ષ 2019થી જ અમલમાં છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર ભ્રમ ફેલાતા CBIC (Central Board of Indirect Taxes and Customs) દ્વારા પરિપત્ર જારી કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે 7500ની લિમિટ પાર થતાં સમગ્ર રકમ પર જીએસટી લાગુ થશે.
કોણે ચૂકવવો પડશે GST?
જો તમારા એપાર્ટમેન્ટનું માસિક મેન્ટેનન્સ રૂ. 7500થી વધુ છે.
અથવા આખી સોસાયટીનો વાર્ષિક જાળવણી ખર્ચ રૂ. 20 લાખથી વધારે છે.
તો એવા કેસમાં 18% GST લાગુ પડશે.
અહેવાલ મુજબ બેંગલુરુમાં આશરે 50 લાખ લોકો એપાર્ટમેન્ટમાં રહે છે. મેઈસુર, મેંગલુરુ, હુબલી અને બેલાગવી જેવા શહેરોમાં પણ લાખો લોકો આવી સોસાયટીઓમાં વસવાટ કરે છે, અને તેઓને હવે આ નિયમની સીઘી અસર થવાની સંભવ છે.
બધાને નહીં લાગુ પડે આ નિયમ
આ જીએસટી તમામ એપાર્ટમેન્ટ્સ પર લાગુ થતો નથી. જો કોઈને શંકા હોય કે તેમની સોસાયટી આ કાર્યક્ષમતામાં આવે છે કે નહીં, તો તેઓ સ્થાનિક કોમર્શિયલ ટેક્સ ઓફિસમાં જઈને ફોર્મ ભરી અને રૂ. 500ની ફી સાથે સોસાયટીનું સ્ટેટસ ચેક કરાવી શકે છે.
રિટર્ન ભરવાની પણ ફરજ
જો કોઈ સોસાયટી GST હેઠળ આવે છે અને રજીસ્ટ્રેશન કરાવે છે, તો તેમને દર મહિને બે વખત GST રિટર્ન ફાઈલ કરવું પડશે – 11મી અને 20મી તારીખે. આખા વર્ષ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે. કેટલાક મંતવ્યો અનુસાર રિટર્ન ભરવા માટે લોકોને રૂ. 1-2 લાખ સુધીનો ખર્ચ પણ કરવો પડી શકે છે.
પરિણામે શું થશે?
આ નિર્ણયનો સીધો અસર મધ્યમ વર્ગીય લોકો પર પડશે, ખાસ કરીને તેઓ પર જે લક્ઝરી એપાર્ટમેન્ટ્સમાં રહે છે અને ઊંચો મેન્ટેનન્સ ચુકવે છે. હવે તેમને ઘરની કિંમત ઉપરાંત મેન્ટેનન્સ પર પણ વધુ ખર્ચ સહન કરવો પડશે.