Government Scheme : ગુજરાતના 10 જિલ્લાઓ માટે સુવર્ણ તક, સરકારે ખોલ્યો રાહતનો ખજાનો
અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ હવે કરશે પરિવારનું ઉત્થાન
અંત્યોદય પરિવારની આવકના સ્ત્રોત વધારીને ટકાઉ આજીવિકા માટે યોગ્ય માર્ગદર્શન અપાશે
10 જિલ્લામાં 25 તાલુકાના અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને મળશે અનુદાન
Government Scheme : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અંત્યોદય પરિવારોના આર્થિક સશક્તિકરણ અને મહિલાઓ માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ) યોજના રજૂ કરી છે. આ યોજના આગામી પાંચ વર્ષમાં ૧૦ જિલ્લાઓના ૨૫ તાલુકાઓમાં વસતા ૫૦,૦૦૦ અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે.
આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા કરવામાં આવશે, જે અંત્યોદય પરિવારો માટે આજીવિકા, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ યોજનાની ખાસિયત એ છે કે તે માત્ર આર્થિક સહાય પૂરતી સીમિત નહીં રહે, પણ લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ અને માર્ગદર્શન પણ મળશે, જેથી તેઓ ગરીબીમાંથી બહાર આવીને સ્વાવલંબી જીવન જીવી શકે.
જી-સફલ યોજનાના ચાર મુખ્ય સ્તંભ:
સામાજિક સુરક્ષા – સરકારી યોજનાઓની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવશે.
આજીવિકા નિર્માણ – પરિવારોની આવકમાં વધારો કરવા માટે અનुદાન (ગ્રાન્ટ) આપવામાં આવશે.
નાણાકીય સમાવેશ – બેંકિંગ, બચત, ધિરાણ અને વીમા સેવાઓ સાથે જોડાણ કરાશે.
સામાજિક વિકાસ અને સશક્તિકરણ – જીવન કૌશલ્ય તાલીમ અને સ્વ-સહાય જૂથોની રચનાને પ્રોત્સાહન.
આ યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને ટકાઉ આજીવિકા માટે વધારાના આવક સ્ત્રોત ઊભા કરવા માટે રૂ. ૮૦,૦૦૦ સુધીનું અનુદાન મળશે. આ સાથે, તેમની આજીવિકા ટકાવી રાખવા માટે વ્યવસાયલક્ષી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.
યોજનાનું અમલીકરણ:
પાત્રતા ધરાવતા પરિવારોમાંથી સૌથી ગરીબ પરિવારોની પસંદગી કરવામાં આવશે. આ પરિવારોના મુખ્ય રોઝગાર સ્ત્રોત વિકસાવવામાં આવશે અને તેમને બેંક તથા નાણાકીય સંસ્થાઓ સાથે જોડવામાં આવશે. દરેક ૪૦ પરિવારો માટે એક ફિલ્ડ કોચની નિમણૂક કરવામાં આવશે, જે તેમને વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપશે.
મહિલા સશક્તિકરણ અને ટેક્નોલોજીનો ઉપયોગ:
આ યોજના મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ પર વિશેષ ધ્યાન આપશે. રાજ્ય સ્તરે ડિજીટલ ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે, જે યોજનાના પ્રગતિદર, ફંડની ચૂકવણી અને લાભાર્થી પરિવારોના વિકાસને રિયલ ટાઇમ ટ્રેક કરશે.
યોજનાથી લાભ મેળવનાર જિલ્લાઓ:
(તા. – તાલુકાઓ)
બનાસકાંઠા (થરાદ)
પાટણ (સાંતલપુર)
કચ્છ (રાપર, લખપત)
સુરેન્દ્રનગર (સાયલા)
છોટાઉદેપુર (કવાંટ, નસવાડી)
પંચમહાલ (ઘોઘંબા)
દાહોદ (ગરબાડા, ધાનપુર, સિંઘવડ, દેવગઢ બારીયા, ફતેપુરા, ઝાલોદ, દાહોદ, લીમખેડા, સંજેલી)
નર્મદા (નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડીયાપાડા)
તાપી (કુકરમુંડા, નિઝર)
ડાંગ (સુબીર)
આ યોજના ભારત સરકારની ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ (ABP) સાથે સુસંગત છે, જે ૫૦૦ મહત્વાકાંક્ષી બ્લોક્સમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે કાર્યરત છે. જી-સફલ રાજ્યના ઓછા વિકાસ પામેલા વિસ્તારોમાં આજીવિકા વિકાસ અને સમાજના સમૃદ્ધિકરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે ગરીબી દૂર કરવા અને પરિવારોને આત્મનિર્ભર બનાવવાના દિશામાં મજબૂત પગલું સાબિત થશે.