પાટીદાર સમાજના સક્રીય આગેવાન ગોપાલ ઈટાલીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં પાછલા બે ત્રણ દિવસથી ખાસ્સો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલીયા દેશી બોમ્બ હોવાની વાત કરે છે અને ભાજપના ભૂતને ભગાડવા આવા બોમ્બનો ઉપયોગ કરવામાં આવશે, તેવું જણાવે છે.
વીડિયોનાં ગોપાલ ઈટાલીયા કહે છે કે આ તદ્દન દેશી બનાવટનો દેશી બોમ્બ છે. તેમાં પીવીસી પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભાજપના ભૂતોને ભગાડવા જે સામે મળે તેમને ભડાકા કરવાના છે. સુપ્રીમ કોર્ટ લાગુ ન પડે, સરકાર લાગુ ન પડે, દેશી એન્જિનિયર છે. નાસાના વૈજ્ઞાનિકો પણ આવો બોમ્બ બનાવી ન શકે. આના ભડાકા દિલ્હી સુધી સંભળાય. પાટીદાર અનામતની માંગ દિલ્હી સુધી સંભળાય તેવું કરવાનું છે.
ગોપાલ કહે છે, ભારત દેશમાં તમારી સરકાર બની જાય, વિશ્વના બીજા 10 દેશમાં તમારી સરકાર બની જાય અમે ડરતા નથી. આ દેશી બોમ્બ ફોડીશું.
આ બોમ્બ અંગે જાણકાર લોકો કહે છે કે ગોપાલ ઈટાલીયાએ જે દેશી બોમ્બનો ઉપયોગ વીડિયોમાં કર્યો છે તેનો ખરેખર ઉપયોગ ખેડુતો ખેતરમાં પ્રાણીઓ ભગાડવામાં કરતા હોય છે. રોજીંદા વપરાશની ચીજ-વસ્તુઓમાંથી આ બોમ્બ બનાવવામાં આવ્યો છે. પીવીસી પાઈપ ઉપરાંત તેમાં લાઈટર હોય છે અને તેનાથી ભડાકો થાય છે.