ગાંધીનગર: તાજેતરમાં ઇફકો કંપની તરફથી ખાતરના ભાવમાં તોતિંગ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકમાં ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ બાદ તાજેતરમાં ઈફકો દ્વારા પણ ડીએપી, એનપીકેસહિતના ખાતરોમાં અંદાજીત એક બેગ દીઠ રૂપિયા 900નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ ભાવ વધારાનો ખેડૂત સંગઠનો તેમજ વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ સરકાર દ્વારા આ ભાવ વધારો કંપનીઓ તરફથી કરવામાં આવ્યો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. જોકે, ખાતરનો ભાવ વધારો સરકારના ઈશારે કરાયો હોવાની ચોમેરથી બૂમો ઉઠી હતી. આ સંદર્ભે હવે સરકારે ખાતર ભાવ વધારા મામલે યુ-ટર્ન લેવાની ફરજ પડી છે. સરકારે આ ભાવ વધારો હાલ પરત ખેંચ્યો છે આ અંગેની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી હતી.
કેન્દ્ર સરકારના મંત્રી જ્યારે ભાવ વધારો રદ કરવાની જાહેરાત કરતા હોય ત્યારે ખેડૂતોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું ભાવ વધારા અંગે સરકારને કંપનીઓએ અંધારામાં રાખી હશે? જોકે, સરકાર અને કંપની વચ્ચે જે વાતચીત થઈ હોય પરંતુ આ નિર્ણયથી ખેડૂતોને ચોક્કસ રાહત મળી છે.
તાજેતરમાં ખાતર ઉત્પાદન કંપનીઓ દ્વારા ડીએપી, એમઓપી, એનપીકે વગેરે ખાતર પર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાના પગલે ખેડૂતોમાં સીધો સરકાર સામે ભારે રોષ ભૂભૂકી ઉઠ્યો હતો. બે દિવસમાં સામે આવેલા વિરોધને જોતા કેન્દ્ર સરકારે પણ આ મામલે મંથન કરવાની જરૂર ઊભી થઈ હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના જણાવ્યા અનુસાર ખાતર કંપનીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણા અને હાલની પરિસ્થિતિને જોતા ડીએપી, એનપીકે સહિતના ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે.
બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ આ અંગેની જાહેરાત કરી હતી. મંત્રીની જાહેરાત પ્રમાણે ડીએપી, એમઓપી સહિતના ખાતરમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવે છે. ખેડૂતોને જૂના ભાવે જ ખાતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશની અગ્રણી ખાતર કંપની ઈફકોએ વિશ્વબજારમાં કાચામાલ અને તૈયાર ખાતરના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લઇને બિન-યુરિયા ફર્ટિલાઇઝરના ભાવ વધાર્યા છે.