ગોધરાઃ અત્યારે લગ્નેત્તર સંબંધો બંધાવા સામાન્ય બની ગયા છે પરંતુ આવા સંબંધો પાછળ જતાં ગંભીર પરિણામમાં ફેરવાય છે. ત્યારે આવો જ એક કિસ્સો ગોધરામાં બન્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં ગુણેશીયા ગામના યુવક સાથે મધ્યપ્રદેશથી લગ્ન કરી આવેલી પરિણીતા અને તેના પ્રેમીએ પ્રેમ સંબંધો ચાલુ જ રાખતા પરિણીતાના પતિથી આ સંબધ સહન ન થતા પત્નીના પ્રેમીની હત્યા કરી દેવામાં આવી છે. આ પ્રેમ સંબધમાં પરિણીતાએ હાલ તો પ્રેમી ગુમાવ્યો છે અને પતિ પણ હત્યાના ગુનામાં પોલીસ હીરાસત આવી ગયો છે!. એટલે હાલ તો પ્રેમને પામવામાં યુવતીની હાલત ન ઘરની કે ન ઘાટના જેવી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોઘમ્બા તાલુકાના ગુણેશિયા પંથકના એક યુવકના લગ્ન મધ્યપ્રદેશના એક ગામમાં થયા હતા. અંદાજીત દોઢ વર્ષ અગાઉ થયેલા લગ્ન બાદ પણ પતિ પત્ની વચ્ચે ખટરાગ ચાલુ રહ્યો હતો, જેનું કારણ હતું પત્નીને અન્ય યુવક સાથેના પ્રેમ સંબધ. રાજસ્થાનના ધોલપુર જિલ્લા માંથી સંજય નામનો યુવક મધ્યપ્રદેશના એક નાનકડા શહેરમાં મીઠાઈના કારીગર તરીકે રોજી રોટી મેળવવાના આશયથી નોકરી માટે આવ્યો હતો. આ દરમિયાન સંજય રહેતો પણ ત્યાં જ હતો. સંજયના નિવાસસ્થાન નજીકમાં જ રહેતી એક યુવતી સાથે તેની આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબધ પાંગર્યો.
બીજી તરફ યુવતીના સ્વજનોએ તેણીનું લગ્ન કરવા માટે ઘોઘમ્બા પંથકમાં મુરતિયો શોધી કાઢ્યો અને લગ્ન પણ કરાવી દીધા. આ તરફ સંજુ અને યુવતી એકબીજાના પ્રેમ સંબધને ભૂલવા માંગતા નહોતા. યુવતી પોતાની સાસરીમાં આવ્યા બાદ પણ સંજુ સાથે પ્રેમાલાપ જારી જ રાખ્યો જે મહેશને જરા પણ ગમતું નોહતું અને તેણે પત્નીને સમજાવટ પણ કરી. બીજી તરફ પરિણીતાના પ્રેમમાં પાગલ બનેલો સંજુ પણ છેક પ્રેમિકાને મળવા તેની સાસરીમાં આવી પહોંચ્યો હતો. આ ગતિવિધિ વચ્ચે પરિણીતાના પતિએ પોતાના સુખી દામ્પત્ય જીવન વચ્ચે આડો આવી ચુભતો સંજુ નામનો કાંટો કાઢી નાંખવાનું મનોમન નક્કી કરી લીધું હતું.
આ દરમિયાન જ સંજુએ પ્રેમિકાને મળવા માટે દેખા દીધા હતા, જેના બાદ તકનો લાભ લઇ પરિણીતાના પતિએ આગોતરૂ ષડ્યંત્ર રચી સંજુને માથામાં હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બીજી તરફ સંજુની હત્યા થઈ એવી જાણ ન થાય એના માટે સંજુના ગળે પ્લાસ્ટિકની પટ્ટી બાંધી પોતાના એક સાગરીતની મદદ લઇ ગામમાં આવેલા એક કૂવામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ દરમિયાન દામાવાવ પોલીસને કુવા માંથી દુર્ગધ આવતી હોવાથી સ્થાનિકોએ જાણ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન એક યુવકનો મૃતદેહ કુવામાંથી મળી આવતાં યુવકના હાથ ઉપરના લખાણ આધારે પોલીસે મળી આવેલા મૃતદેહની ઓળખ છતી કરવાના પ્રયાસો કર્યા હતા. તો બીજી તરફ પોલીસ ટીમે પણ જે ગામમાંથી મૃતદેહ મળી આવ્યો એ વિસ્તારમાં આંતરિક પૂછપરછ કરી કડી મેળવવાનો પ્રયાસ કરતાં આખરે મૃતક યુવકની ઓળખ છતી થઈ હતી અને ત્યારબાદ હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે. પોલીસે બે વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.