પંચમહાલઃ પંચમહાલના ગોધરામાં એક હત્યાની ચકચારી ઘટના બની હતી. અહીં લગ્ન પહેલા જ યુવતીની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની જગ્યાએ મરશિયા ગવાઈ રહ્યા છે. યુવતીની હત્યા કેમ કરવામાં આવી છે એ અંગે હજી કોઈ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે યુવતીના પિતા અને કાકાની પણ જમીનના વિવાદમાં હત્યા કરવામાં આવી હતી.
ગોધરા તાલુકાના રાયસિંગપુરા મહાદેવ ફળીયામાં રહેતી 19 વર્ષીય ભૂમિકા રાઠોડ ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતી .દરમિયાન મોડી રાત્રે તે ફોન ઉપર વાત કરી હતી એ વેળાએ તેણીનો ભાઈ પૃથ્વીરાજસિંહ નોકરી ઉપરથી ઘરે આવ્યો હતો. પૃથ્વીરાજે પોતાનો નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેની બહેનની તપાસ કરતાં ભૂમિકા ઘરમાં નહિં જોવાતાં જ શોધખોળ આદરી હતી.
દરમિયાન ભૂમિકાનો મૃતદેહ પોતાના ઘરની નજીક આવેલા ખેતરમાં લોહીથી લદબદ હાલતમાં પડેલો જોવાયો હતો. જેથી પૃથ્વીરાજસિંહ અને સ્વજનોએ બનાવ અંગે વેજલપુર પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરતાં ભૂમિકાના ગળાના ભાગે હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાય આવ્યું હતું.
આ ઉપરાંત ભૂમિકા પાસેના મોબાઈલ ફોનનું માત્ર કવર અને બેટરી જ મળી આવી છે. આમ હત્યારા દ્વારા મોબાઈલ ફોન પણ લઈ જવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે.વેજલપુર પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને એફ એસ એલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
રાયસિંગપુરા ગામની ભૂમિકાના લગ્ન ઘોઘબા તાલુકાના મહાદેવીયા ગામે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આગામી ૨૩ મેના રોજ યોજાનારા લગ્ન પૂર્વે ગુરૂવારે રીતિ રિવાજ મુજબ તેની સાસરિયા અને સ્વજનોની ઉપસ્થિતીમાં તેણીના ઘરે લગ્ન પડીકું લખવામાં આવ્યું હતું.
રાયસિંગપુરા ગામની ભૂમિકા રાઠોડના પિતા અને તેના કાકા સાથે જમીનમાં રસ્તા મુદ્દે ઝગડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન તેણીના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે કાકાનું સારવાર દરમિયાન 15 દિવસ પછી મૃત્યુ નીપજ્યું હતું જે અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને હત્યારાને સજા પણ થઈ હતી.