Gandhinagar: ગાંધીનગરમાં જાન વળતી થઈ! શું થયું એવું કે વરઘોડો પાછો ફર્યો?
યુવતીના લગ્નના દિવસે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ આવી પહોંચતા, તેણે લગ્ન નહીં કરવા અને પ્રેમી સાથે રહેવાની વાત કરી
યુવતીના પરિવારજનોના અનેક પ્રયાસો છતાં, તે ન માની અને આ કારણથી વરરાજા ‘જાન લીલા તોરણે’ પાછા ફર્યા”
ગાંધીનગર, મંગળવાર
Gandhinagar: ગાંધીનગરમાં લગ્નની સિઝન વચ્ચે એક અનોખો અને ચોંકાવનારો બનાવ બન્યો, જ્યાં જાન વરઘોડો લઈ આવ્યા બાદ પાછો વળવા મજબૂર બન્યો. 23 વર્ષીય યુવતીનું ચાર વર્ષ પહેલાં એક પરિણીત પુરુષ સાથે પ્રેમસબંધ બંધાયો હતો. બંને વચ્ચેનો સંબંધ ઘનિષ્ઠ બન્યો, પરંતુ કુટુંબને આ બાબત ગમતી નહોતી. સમય જતાં યુવતીના પરિવારજનોએ બે વર્ષ પહેલા તેની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરાવી દીધા.
જૂના પ્રેમી સાથે ફરીથી જોડાણ
યુવતીના લગ્ન થયા પછી, તેણીનું વૈવાહિક જીવન સુખદ ન હતું. પતિ લફરાબાજ હોવાને કારણે તેણી પિયર આવી ગઇ. આ દરમિયાન, તેનો જૂનો પ્રેમી તેના જીવનમાં ફરીથી પ્રવેશ્યો. બંને એકબીજાથી અલગ રહી શક્યા નહીં, અને પ્રેમમાં મજબૂત થઈ ગયાં. પરિવારની મંજુરી વગર, બંનેએ મૈત્રી કરાર કરી, અલગ રહેવા લાગ્યાં.
લગ્નના દિવસે નાટકીય ઘટના
યુવતીના પરિવારજનો તેના માટે અન્ય છોકરાની પસંદગી કરી, અને ઘડીયા લગ્ન નક્કી કર્યા. યુવતીએ શરુઆતમાં કોઇ વિરોધ કર્યો નહીં, તેથી લગ્નની તૈયારીઓ થઈ ગઈ. જયારે વરરાજા વાજતે-ગાજતે જાન લઈ પહોંચ્યા, ત્યારે વિલક્ષણ ઘટના બની.
181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ લગ્ન મંડપમાં આવી પહોંચી. તેમના આગમનથી લગ્નમાં હાજર લોકો હેરાન થઈ ગયા. યુવતીને રૂમમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે સ્પષ્ટ કહ્યું કે તે આ લગ્ન કરવા ઇચ્છતી નથી અને જો દબાણ કરવામાં આવશે, તો જીવન ટૂંકાવવાની ધમકી આપી.
પરિવારનું માન્યું નહિ, જાન પાછી વળી
યુવતીના માતાપિતા અને પરિવારજનો તેને સમજાવવા લાગ્યા. તેઓએ સમાજમાં માન-આદર જળવાય તે માટે લગ્ન કરી લેવા અને કલાકોમાં પાછા આવી જવા વિનંતી કરી. તેમ છતાં, યુવતી ટસની મસ ન થઈ. આખરે, લગ્ન રોકાઈ ગયા અને જાન, લઈને વરરાજા જે સજધજ સાથે પરણવા આવ્યો હતો,તે લીલા તોરણે પાછો વળ્યો…
આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, અને આકસ્મિક વળાંક લીધેલા લગ્નને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.