બુટલેગરોએ હવે એસ.ટી. બસમાં ગુજરાતમાં દારૂ ઠાલવવાનો રસ્તો અપનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. પારડી તાલુકાના મોતીવાડા ગામે પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એસ.ટી. બસ (નંબર જીજે-18-ઝેડ-1854)ને રોકી બસમાં ચઢી મુસાફરોના સરસામાનની તલાસી લેતા 4 મહિલા પાસેથી દારૂની 433 બોટલ (કિંમત રૂપિયા 39,950) મળી આવી હતી. પારડી પોલીસે આ એસ.ટી. ડ્રાઇવરને બસ પારડી પોલીસ મથક સુધી હંકારી લઇ જવાની ફરજ પડી હતી. પારડી પોલીસ મથકે આ ચારેય મહિલાઓને દારૂના જથ્થા સાથે બસમાંથી ઉતારી દેવાયા પછી બસમાં સાવરકુંડલા તરફ રવાના કરી હતી.
દારૂ સાથે પકડાયેલી મહિલાઓમાં મંજુ રમેશ વસાવા , ફરહાના અબ્બાસ શેખ , એઝાઝ ઇસ્માઇલ મન્સુરી તથા લક્ષ્મી હસમુખ ટંડેલનો સમાવેશ થાય છે.પોલીસે આ ગુતમામ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસ.ટી. બસમાં બે દિવસમાં જિલ્લામાં દારૂ વહનની બીજી ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ આ મામલો ગંભીરતાથી વિચારવા જેવો બની રહ્યો છે.