સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર વધારવા અને સુધારવા માટે સરકારે આ કામગીરી શરૂ કરી છે.. હવે ધોરણ 3થી 8માં વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ કસોટી લેવાશે. નેશનલ એસેસમેન્ટ સર્વેમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહેતુ હોવાથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકારે આ પગલુ ભર્યું છે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરથી સાપ્તાહિક કસોટીનો રાજયમાં પ્રારંભ થશે.
મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર હસ્તકની તમામ જીલ્લા પંચાયત હેઠળની સરકારી તથા કોર્પોરેશન સંચાલિત સરકારી સ્કૂલોમાં ધો.3થી8ના વિદ્યાર્થીઓની સર્વ સિક્ષા શિક્ષા અભિયાન અંતર્ગત પીરિઓડિકલ એસેસમેન્ટ ટેસ્ટ એટલે કે સાપ્તાહિક મૂલ્યાંકન પરીક્ષા લેવામાં આવશે. જે મુજબ દર શનિવારે તમામ સરકારી સ્કૂલોમાં ધો.3થી8ના બાળકોની જુદા જુદા વિષયની કસોટી લેવાશે. જેમાં દર સપ્તાહે એક એક વિષય લેવાનો રહેશે. આ કસોટીમાં ગુજરાતી,ગણિત, પર્યાવરણ, અંગ્રેજી ,હિન્દી, સામાજિક વિજ્ઞાાન અને સંસ્કૃત જેવા વિષયોનો સમાવેશ કરાયો છે.
આ પ્રોજેક્ટ માટે એક કસોટી પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવી છે. જેનું આજે શિક્ષણમંત્રી દ્વારા બાયસેગ ખાતે વિમોચન કરાયુ હતું. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે તમામ ડીપીઓ તથા 3200 સીઆરસી અને 200થી વધારે બીઆરસી તથા કેળવણી નિરીક્ષકોને સૂચના અપાઈ છે. સરકારી સ્કૂલોના 1.95 લાખ શિક્ષકો એ આ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલોમાં કસોટી લઈને વિદ્યાર્થીઓનું સાપ્તાહિક મૂલ્યાંકન કરવુ પડશે. આ એકમ કસોટીના પ્રશ્નપત્ર જીસીઈઆરટી દ્વારા તૈયાર કરાશે અને દર સપ્તાહે સીઆરસી,બીઆરસી મારફતે સ્કૂલોમાં પહોંચાડાશે. દરેક ધોરણના જે તે વિષયના શિક્ષકને પ્રશ્નપત્ર અપાશે અને જેની પ્રિન્ટ કાઢી શિક્ષકે બોર્ડ પર પ્રશ્નો લખવાના રહેશે.જેના જવાબો વિદ્યાર્થીએ નોટબુકમા લખવાના રહેશે. આ એકમ કસોટીમાં રાજ્યના 38 લાખથી વધારે વિદ્યાર્થીઓને આવરી લેવાશે.