ગઈકાલે મોડી રાત્રે રાજ્યના બે જિલ્લાઓમાં ભૂંકપના હળવા આંચકા અનુભવાયા હતા. રાત્રે રાજ્યના ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. આ આંચકા ગીર સોમનાથના તાલાળા અને કચ્છના રાપર સહિત અમુક વિસ્તારોમાં અનુભવાયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ આ ગઈકાલે રાત્રે ચાર આંચકા અનુભવાયા છે, મોડી રાત્રે અને વહેલી સવારે રાજ્યના તાલાળા, ભચાઉ અને રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાળામાં 3.5ની તીવ્રતાનો આંચકઓ અનુભવાયો હતો જ્યારે રાપરમાં વહેલી સવારે 5 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
તાલાળાથી 16 કિલોમીટર દૂર ઉતર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ મળી આવ્યું છે. આ ભૂકંપના આંચકાની અસર કચ્છ સુધી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના તાલાળા નજીક આવેલા હિરણવેલ ગામમાં થોડા સમય પહેલાં ખૂબ જ આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથમાં ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય હોવાનું તારણ નીકળતા ત્યાં સિસ્મોગ્રાફ યંત્ર પણ મૂકવામાં આવ્યું હતું. રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાઓથી લોકો સફાળા જાગી ગયા હતા