Drugs racket : ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ રેકેટ: અમદાવાદ NCBની કાર્યવાહીમાં 2 કિલો કેટામાઈન સાથે ચાર શખ્સોની ધરપકડ
ગુજરાત NCBએ મસાલાના પેકેટમાં છુપાવેલા ડ્રગ્સ સાથે ચાર શખ્સોની ધરપકડ કરીને બે કિલો કેટામાઈન કબજે કરી
મુખ્ય આરોપી અદનાન ફર્નિચરવાલા યુએસથી ડીપોર્ટ થયા બાદ નાઈજીરિયન સિન્ડિકેટ સાથે મળી ડ્રગ હેરફેરના રેકેટમાં સંકળાયેલો હતો
અમદાવાદ, રવિવાર
Drugs racket : ભારતમાંથી વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાના પેકેટોમાં ડ્રગ્સ છુપાવીને અમેરિકા મોકલવાના રેકેટનો ખુલાસો થયો છે. અમદાવાદની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે આ રેકેટ પકડી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન બે કિલો કેટામાઈન ડ્રગ્સ કબજે કરાયું છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બેંગલુરુમાંથી એક વ્યક્તિ અને દિલ્હીમાં ત્રણ નાઈજીરિયન શખ્સોનો સમાવેશ થાય છે. આરોપીઓ મસાલાના પેકેટમાં ડ્રગ્સ પેક કરીને યુએસમાં કુરિયર દ્વારા મોકલતા હતા.
USથી ડીપોર્ટ થયેલો મુખ્ય આરોપી
આ રેકેટનો મુખ્ય સૂત્રધાર અદનાન ફર્નિચરવાલા છે, જે અગાઉ યુએસમાં ડ્રગ્સ હેરફેર માટે જેલમાં રહી ચૂક્યો છે. અદનાન પૂર્વે પૂણામાં રહેતો હતો અને ત્યારબાદ યુએસ ગયો હતો, જ્યાં તેના પર ડ્રગ્સ સંબંધિત ત્રણ કેસ નોંધાયા હતા. તેના કારણે તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો. ભારતમાં પાછા આવ્યા બાદ, તે ફરી ડ્રગ્સની હેરાફેરી સાથે જોડાયો. ગયા વર્ષે NCB મુંબઈએ તેના પર કેસ નોંધ્યો હતો અને તેને પકડી પાડ્યો હતો, પરંતુ તે પેરોલ પર બહાર આવ્યો હતો. અદનાન હંમેશા એજન્સીઓથી આગળ રહેતો અને પોતાના છુપાવાના સ્થળોને વારંવાર બદલતો.
નાઈજીરિયન સિન્ડિકેટ સાથે કનેક્શન
NCBએ અદનાનને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ટ્રેક કરીને 8 ડિસેમ્બરે બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે અદનાન નાઈજીરિયન ડ્રગ્સ સિન્ડિકેટ સાથે મળીને દિલ્હીથી રેકેટ ચલાવતો હતો. આ રેકેટ દ્વારા મસાલાના પેકેટમાં ડ્રગ્સ છુપાવીને યુએસમાં કુરિયર દ્વારા મોકલવામાં આવતું હતું.
18 ડિસેમ્બરે, NCBએ દિલ્હીના વિસ્તારમાંથી ઈમેન્યુઅલ અને તેના બે સાથીઓ, એકલેમે અને ઇમેન્યુઅલ ઓસાજાની ધરપકડ કરી. તપાસમાં આ લોકોના પાસેથી વિવિધ બ્રાન્ડના મસાલાના પેકેટમાં છુપાયેલા બે કિલો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યા. NCBએ તમામ ચાર આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી છે અને રેકેટના અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે.