ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે દિવસે-દિવસે અંસતોષ વધતો જઈ રહ્યો છે. ધારાસભ્યો ઉપરાંત સંગઠનમાં પણ અસંતોષની જ્વાળા લપકારા મારી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો આવ્યા બાદ ગુજરાતમાં નવાજૂનીનાં ભણકારા વાગી રહ્યા છે. પાછલા અઠવાડીયાથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની હવા વચ્ચે ભાજપ હાઈકમાન્ડ માટે ગુજરાતને ફરી પાછો પાટે ચઢાવવાની કસરત કરવી પડે અને આના માટે એક માત્ર વિકલ્પ નેતૃત્વ પરિવર્તનનો રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે આઘાતજનક છે. ગુજરાત ભાજપ હોતી હૈ, ચલતી હૈના રગશીયા ગાડાને હાંકી રહ્યો હતો તેને સફાળી રીત ેનિંદ્રામાંથી જગાડવાનો સમય આવી ગયો છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની ત્રિપુટી મામલે ભાજપ હાઈકામાન્ડ ગંભીર બની ગયું છે. લોકસભાની ચૂંટણી સુધી રૂપાણીને ચાલું રાખવા માટે ફોર્મ્યુલા જરૂરથી રજૂ કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતભરમાં જે પ્રકારે ભાજપને રાજકીય નુકશાન થઈ રહ્યું છે તેની કોઈ ફોર્મ્યુલા ગુજરાત ભાજપની નેતાગીરી કેન્દ્રીય નેતાગીરીને આપી શકી નથી. ઉલ્ટાનું ભાજપ હાઈકમાન્ડના ઈશારે થઈ રહેલા નિર્ણયોએ વહીવટી તંત્રનો દાટ વાળી દીધો છે. ભ્રષ્ટાચાર, આંદોલન, વિરોધ પ્રદર્શન, ધારાસભ્યોમાં ભારે અસંતોષ, બે-પાંચ જણાના હાથમાં સરકારનું કન્ટ્રોલ, મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણી દ્વારા સરકાર સંચાલનમાં દખલગીરી વગેરે અનેક મુદ્દાઓ સાથે મામલો વધુને વધુ પેચીદો બની ગયો છે.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પાટીદાર સમાજને ભાજપ સાથે અકબંધ રાખવાની બાંહેધરી પણ ફૂટેલ ફૂગ્ગા સમાન સાબિત થઈ છે. નીતિન પટેલ દ્વારા પાટીદાર સમાજને ભાજપની સાથે જ રાખવા માટે જે કવાયત કરવામાં આવી હતી તેમાં ભાજપને અનુકુળ પરિણામોના બદલે પ્રતિકુળ પરિણામ મળ્યા છે. ગુજરાત વિધાનસભા અને જિલ્લા પંચાયત, ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં તેની વિપરીત અસર જોવા મળી હતી અને કોંગ્રેસ મબલખ ફાયદો થયો હતો.
પાંચ રાજ્યોના પરિણામો બાદ ગુજરાત સરકારમાં અસંતોષની આગ વધુને વધુ પ્રજવળી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. 12થી 15 જેટલા ધારાસભ્યો તો એવાં છે કે જેઓ ગમે ત્યારે પાર્ટીમાં ભડકો કરી શકે છે. બળવાનો આશંકા નકારી શકાતી નથી. જોકે, આવી સ્થિતિમાં આવતા ગુજરાત ભાજપના કોઈ પણ નેતામાં સક્ષમતા નથી પરંતુ બદલાયેલા રાજકીય સમીકરણો સત્તા માટે કોઈને પણ કશું પણ પગલા ભરવા માટે પીઠબળ પુરું પાડી શકે છે. મોવડી મંડળને ફરીયાદ કરતાં પણ ધારાસભ્યો ડરી રહ્યા છે. ફરીયાદો અનેક છે. જે રીતે કોંગ્રેસી ગોત્રના નેતાઓની તાજપોશી કરવામાં આવી રહી છે તે જોતાં પાયાના કાર્યકરો પાર્ટીના આદેશની સરેઆમ અવહેલના કરી રહ્યા છે.
નવા મુખ્યમંત્રી નિમાવાના છે એવી વાતો અને ચર્ચાઓ વાયુવેગે ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ગરમાગરમ બની ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ નેતૃત્વ પરિવર્તન અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે નાગપુરના આદેશની રાહ જોવામાં આવી રહી છે. એક ચર્ચા તો એવી પણ રૂપાણીને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું છે. વાતનું ખંડન કે રદિયો આપવા ભાજપના નેતાઓ એટલું જ કહી રહ્યા છે કે હાલ નેતૃત્વ પરિવર્તનની કોઈ વાત પાર્ટીમાં ચર્ચાઈ રહી નથી. પરંતુ નાગપુરના સૂત્રો આ વાતને પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે સમર્થન આપી રહ્યા છે કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે.