Diamond Factory Poisoning: સુરતમાં ડાયમંડ ફેક્ટરીમાં ઝેરી પાણી કાંડ: 4 ICUમાં, 102 ડિસ્ચાર્જ; કારીગર પર ષડયંત્રની શંકા
Diamond Factory Poisoning : સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ ડાયમંડ કારખાનામાં રત્નકલાકારોને પીવડાતા પાણીમાં ખતરનાક ઝેરી દવા સેલ્ફોસનું પાઉચ નાખી દેવામાં આવ્યું હોવાના ચોંકાવનારા આક્ષેપો વચ્ચે, 118થી વધુ કર્મચારીઓની તબિયત લથડી ગઈ હતી. ઘટનાને પગલે ગંભીર સ્થિતિ ઊભી થતાં 104 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 4 ICUમાં અને 12 કર્મચારીઓને હજુ નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
મોતના મુખેથી પાછા ફરેલા 104 કર્મચારીઓ
સોમવારે સવારે કારખાનામાં કામ કરતા રત્નકલાકારોએ પાણી પીધા બાદ ચક્કર, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દર્શાવ્યા હતા. થોડી જ વારમાં 118 કર્મચારીઓની તબિયત લથડી ગઈ હતી. કિરણ હોસ્પિટલમાં 104 અને ડાયમંડ હોસ્પિટલમાં 14 દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફ્લિટરનું પાણી જ બન્યું જાનલેવા
કારખાનાના મેનેજરના ભાણિયા નિકુંજે પીવાના પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે કૂલર અંદરથી ઝેરી સેલ્ફોસના પાઉચ મળી આવ્યા છે. પ્લાસ્ટિક કવર ફાટેલું અને અંદર ગોળીઓ પાણીમાં ઓગળી ગઈ હતી. આથી અંદાજ લગાવાયો કે કેટલાકને શક્યતાપૂર્વક ઇરાદાપૂર્વક ઝેરી પાણી પીવડાવવાનું ષડ્યંત્ર રચાયું છે.
અંદરનો જ કોઈ કર્મચારી શંકાના ઘેરામાં
પોલીસે BNS 109(1) હેઠળ કેસ નોંધી કાપોદ્રા પોલીસ સહિત વિશેષ ટીમો તપાસમાં લાગી ગઈ છે. કારખાનાની અંદર ફિલ્ટર જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં CCTV ન હોય પરંતુ આસપાસના રસ્તાના ફૂટેજમાંથી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, 50થી વધુ કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે.
હોસ્પિટલ તંત્ર ચોંક્યું: “સેલ્ફોસ હૃદય પર સીધી અસર કરે છે”
કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે જણાવ્યું હતું કે સેલ્ફોસ તરત જ હૃદયને અસર કરે છે અને લાંબા ગાળે ફેફસાં અને લિવર જેવા અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે ભવિષ્યમાં પણ દુષ્પરીણામો શક્ય છે.
માલિકના અન્ય કારખાના અને તાત્કાલિક કાર્યવાહી
કારખાનાના માલિક જીવરાજભાઈ ગાબાણીના શહેરમાં પાંચથી વધુ હીરાના કારખાનાઓ છે. તેઓ કિરણ અને ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્ય મંત્રી, મેયર અને કમિશનરે તાત્કાલિક કામગીરીના આદેશ આપ્યા છે.