ગાંધીનગર – રાજ્ય પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ- આ ચાર મહાનગરોમાં સંક્રમણ વધારે હોઈ, આ ચાર શહેરોમાં લોકડાઉનને વધુ સઘન બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આ શહેરોમાં જીવન જરૂરિયાતની અને આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો ખોલવામાં ના આવે તે માટે પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઈ રહ્યું છે.
આ સિવાયની કોઈ દુકાનો ખૂલશે, તો તેમની સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપતાં તેમણે કહ્યું કે કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારોના કન્ટેન્મેન્ટ વિસ્તારોની આસપાસ બેરિકેડિંગ વધારાઈ રહ્યું છે. જેથી આ વિસ્તારના લોકોની મૂવમેન્ટ આસપાસના વિસ્તારોમાં અટકાવીને સંક્રમણની શક્યતાઓને ઘટાડી શકાય.
રાજ્યનાં ચાર મહાનગરો સિવાયના અન્ય વિસ્તારોમાં જ્યાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એ જ રીતે દુકાનદારોએ પણ પોતાની જવાબદારી સમજીને તેમની દુકાનની આસપાસ સોશિયલ ડિસ્ટન્સ માટેનું માર્કિંગ કરાવવું જોઈએ. આ બાબત દુકાનદારોની સુરક્ષા માટે પણ એટલી જ જરૂરી છે.
તદુપરાંત, વેપારી પોતે માસ્ક પહેરે અને ગ્રાહકો પણ માસ્ક પહેરીને જ આવે તેવો આગ્રહ રાખે, એ ઇચ્છનીય છે. જો આ પ્રકારની પૂરતી તકેદારી રાખવામાં ન આવે, તો દુકાનદાર સુપરસ્પ્રેડર બની શકે છે અને પોતાની સાથે અન્ય લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ અંગે પોલીસ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને જ્યાં ભીડ થતી દેખાશે અથવા આ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી ન હોવાનું ધ્યાને આવશે, ત્યાં કડક કાયદાકીય પગલાં લેવાશે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની તેમજ ખેતી માટેના બોરવેલનું ફિટિંગ કે રિપેરિંગ કરવા જતાં કારીગરોની સગવડતાને ધ્યાને રાખીને ઝાએ જણાવ્યું કે, આવા કારીગરોને પોલીસ દ્વારા અટકાવવામાં નહીં આવે તેમજ તેમને પાસની પણ કોઈ આવશ્યકતા નહીં રહે. તેમને માત્ર તેમના ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે અવરજવર કરવા દેવાશે.
રાજ્ય પોલીસવડાએ જણાવ્યું કે, રાજ્યના અમુક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો એકઠા થતાં હોવાનું ધ્યાને આવ્યું છે.
આવા તમામ વિસ્તારોમાં આ સમયગાળામાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ છે. આમ છતાં, આસપાસના નાગરિકોને તેમના વિસ્તારોમાં આ પ્રકારે લોકો એકઠા થતા હોવાની બાબત ધ્યાને આવે, તો તેઓ 100 નંબર પર જાણકારી આપે એ ઇચ્છનીય છે, જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી શકાય.
તબલીગી જમાતના વધુ બે બનાવની વિગતો આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લાના અમુક લોકો દહેજથી ભાવનગર ખાતે રો-રો ફેરીમાં ગયા હતા. જેમાંથી 6 લોકો લોકડાઉન બાદ ખાનગી બસ મારફતે પરત આવતા ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં 7 લોકો ખાનગી બસ દ્વારા ભાવનગરથી ભરૂચના વાતરસા ગામે આવ્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે આમોદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ મહાનિદેશક એ જણાવ્યું કે, પોલીસના જવાનો આવા આકરા તાપમાં પણ મક્કમ મનોબળ સાથે લોકડાઉનની ફરજ નિભાવી રહ્યા છે. તદુપરાંત, જે પોલીસકર્મીઓ સંક્રમિત હતા અને સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે, તેઓ પણ ફરજ પર પરત ફરી રહ્યા છે. જ્યારે હાલ જેઓ સારવાર હેઠળ છે, તેઓ પણ સ્વસ્થ્ય છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત રીતે તેમના ખબરઅંતર જાણી, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવાઈ રહી છે.
રાજ્યભરમાં ડ્રોન, CCTV અને ANPRના માધ્યમથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તદુપરાંત, ખાનગી સોસાયટીના CCTV મારફત પણ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. આ પ્રકારે રહેણાક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે 23 ગુનામાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 334 ગુનામાં કુલ 558 લોકોની અટકાયત કરવામાં આવી છે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 296 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9489 ગુના દાખલ કરીને 18661 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 74 ગુના નોંધીને 95 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 1834 ગુના નોંધીને, 2808 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં 21 ગુનાની સાથે અત્યાર સુધીમાં 525 ગુના દાખલ કરીને 1075 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા 13 એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના 102 ગુના સહિત અત્યાર સુધીમાં કુલ 1101 ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના 41 સહિત આજદિન સુધીમાં કુલ 636 ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ‘પ્રહરી’ વાહન મારફત 51 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં 428 ગુના દાખલ કરવામાં આવ્યા છે.