Dang: ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તક ના કાલીબેલ રેન્જ માં સમાવિષ્ટ ઢોંગીઆંબા ગામે લાકડા તસ્કરીને અંજામ આપતા તસ્કરોને અટકાવવા જતા વન કર્મીઓ પર તસ્કરોએ જીવલેણ હુમલો કરતા 8 કર્મીઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પૂર્ણા વાઈલ્ડ સેન્ચ્યુરી માં આવેલ જંગલ માંથી સાગી લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી કાલીબેલ રેન્જના સ્ટાફ ને મળતા વનકર્મીઓ સ્થળ પર ધસી જઈ કાર્યવાહી હાથ ધરતા લાકડા ચોરોએ ગ્રામજનોને ભેગા કરી 8 જેટલા વન કર્મીઓ પર લાકડા ના ડંડા વડે ઢોરમાર મારી ગંભીર ઇજા પહોંચાડી નાશી છૂટ્યા હતા . ગંભીર ઈજાગ્રસ્ત વન કર્મીઓએ 108 ને કોલ કરતા તેઓને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . જંગલ ચોરી અટકાવવા ગયેલ વન કર્મીઓ પર થયેલ જીવલેણ હુમલાની ઘટના વન વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા , ત્યારબાદ જિલ્લા પોલીસ વડા યશપાલ જગણિયા ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એસ . જી . પાટીલ ની આગેવાની હેઠળ જિલ્લા એલસીબી , એસઓજી સહીત સ્ટાફ સાથે ઢોંગીઆંબા ગામે ધસી જઈ 5 જેટલા હુમલાખોર તસ્કરો ને અટક કરી વધુ હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામી હતી.
કાલીબેલ રેન્જ દ્વારા લાકડા ચોરી 3 તસ્કરોને ઝડપી કાલીબેલ રેન્જ માં લઇ આવ્યા બાદ તસ્કરોએ 2 વન કર્મીઓને બાન માં રાખી વન વિભાગ પાસેથી તસ્કરોને છોડી મુકવા દબાણ કર્યા બાદ વન વિભાગે ઝડપી પાડેલ તસ્કરોને ઢોંગીઆંબા ગામમાં લાવતા ભેગા થયેલા ટોળાએ રાઉન્ડ ફોરેસ્ટર , 2 બીટ ગાર્ડ , સહીત વન કર્મીઓ પર લાકડા ના દંડા , કુહાડી જેવા હથિયાર થી જીવલેણ હુમલો કર્યો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
આ સંદર્ભે ડીવાયએસપી એસ જી પાટીલે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રે કાલીબેલ રેન્જ ના સ્ટાફ ને ઢોંગીઆંબા ગામે લાકડા તસ્કરીને અંજામ અપાતી હોવાની બાતમી મળી હતી , જે અનુસાર રેન્જના સ્ટાફ ઘટના સ્થળે પહોંચતા ત્યાં વન કર્મીઓ અને તસ્કરો વચ્ચે ઘર્ષણ થયું હતું , જેમાં વન કર્મીઓ પર જીવલેણ હુમલો થયો છે , પોલીસે ઘટના માં સામેલ 5 ઈસમોની અટક કરી છે , તેમની પૂછપરછ માં વધુ નામો ખુલે તેમ હજી વધુ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .