Dang: ડાંગ જીલ્લા માં દમણગંગા વેર (૨) જળ સંપતિ વિભાગ ની કામગીરી માં ઇજારદાર દ્વારા ચેકડેમના પાયા માં નકરી વેઠ ઉતારી તકલાદી કામગીરી કરાઈ રહી હોવાની સ્થાનિકો માં ફરીયાદ…
સમગ્ર ડાંગ જિલ્લો પાણી થી ડૂબી જાય તેટલી યોજનાઓ બની છે ,
પરંતુ સરકારી કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ આદિવાસીઓ ખેતી અને પીવાના પાણી માટે વલખા મારવા ની નોબત ઉભી થાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતા લોકોની કફોડી સ્થિતિ સર્જાઈ છે મળતી માહિતી અનુસાર ડાંગ જીલ્લા ની લોકમાતાઓ ના કેચમેન્ટ એરિયામાં ચેકડેમો બનાવી ભૂગર્ભ જળ ઊંચું લાવવાની સરકારની નેમ સાથે કરોડો રૂપિયાના ખર્ચ કરવા છતાં ચોમાસા બાદ પાણીના સ્ત્રોત નદી, કુવા, બોરિંગ સુકાઈ જતા ડાંગ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે . હાલમાં દમણગંગા અને વેર -2 જળ સંપત્તિ વિભાગ દ્વારા અંબિકા નદી પર હુંબાપાડા, ગુંદવહળ, શિવારીમાળ, આંબા પાડા વિસ્તારમાં ઠેરઠેર મોટા ચેકડેમો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પણ ઇજારદાર દ્વારા ચેકડેમના પાયા માં નકરી વેઠ ઉતારી તકલાદી કામગીરી કરાઈ રહ્યાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. ડાંગ ની મુખ્ય નદી અંબિકા ને જીવંત રાખવા અગાઉ પણ કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમો નિર્માણ કરાયા હતા.
પરંતુ પાયાના કામમાં જ તદ્દન હલકી ગુણવતાની કામગીરી કરાઈ હોય ચેકડેમો લીજેજ થઈ બિનઉપયોગી બની ગયા હતા.
તેમજ આંબાપાડા નજીક બનેલ ચેકડેમનું નામોનિશાન મટી જતા હાલ એજ જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે નવો ચેકડેમ બનાવવાની કામગીરી કરાઈ રહી હોય એકજ સ્થળે બે ચેકડેમોની યોજના સાકાર થઈ રહી છે. દમણગંગા અને વેર -2 વિભાગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં આખું ડાંગ જિલ્લો પાણીમાં ડૂબી જાય તેટલી ચેકડેમોની યોજના અમલમાં લાવી છે, પરંતુ ડાંગ જિલ્લાનું ભૂગર્ભ જળ ઊંચું આવવાના બદલે ચોમાસા બાદ તુરંત નદી , કોતર , કુવા ના તળ સુકાઈ જતા સરકારી કરોડો રૂપિયાનો ધુમાડો કરી દેવાયો છે.
તેવા સંજોગોમા હાલ અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ ચેકડેમોના નિર્માણમાં ગુણવતાયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે .
અત્રે ઉલ્લેખનીય છેકે સાપુતારા થી ઉગમ પામતી અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહેલ ચેકડેમના બાંધકામમાં ઇજારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલ્સ વાપરી ગેરરીતિ આચરતો હોવાનું જાણવા મળ્યું છે , તેમજ માસ્ક કોન્ક્રીટ માં ધારાધોરણ વિનાની કપચી , રેતી નો બેફામ ઉપયોગ કરી ભ્રષ્ટ્રાચાર ને અંજામ અપાઇ રહ્યું છે ડાંગ જિલ્લાની નદીઓ પર પાણીનો સંગ્રહ કરવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ અને ઇજારદારની મીલીભગત માં યોજનાઓ માત્ર કાગળ પરજ હોવાની પ્રતીતિ સ્થાનિકો કરી રહ્યા છે , કારણકે હાલ નદી સુકીભટ્ઠ થવા સાથે પીવાના પાણીની પણ વિકરાળ સમસ્યા ઉભી થવા પામી છે .
તેવામાં ડાંગ જિલ્લામાં દમણગંગા અને વેર -2 જળ સંપત્તિ વિભાગ દ્વારા ગત વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રીપેર કરેલ ચેકડેમ અને હાલે અંબિકા નદી પર નિર્માણ પામી રહેલા ચેકડેમો ના બાંધકામની ગુણવતા જળવાય તેવી લોક માંગ ઉઠી રહી છે .