Dang: ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હુંબાપાડા ગામે દમણગંગા યોજના અંતર્ગત નિર્માણ થઈ રહેલ ચેકડેમમાં ઈજારદાર દ્વારા રાત્રીનાં અરસામાં પથ્થરો નાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યુ.
ડાંગ જિલ્લાનાં હુંબાપાડા ગામે કરોડોનાં માતબર ખર્ચે નિર્માણ થઈ રહેલ ચેકડેમમાં પથ્થરો નાખી કામ કરતા હોવાની ફરીયાદ મળતાની સાથે જ અધિકારીઓની ટીમે સ્થળ પર દોડી જઈ જેસીબી દ્વારા બાંધકામને તોડી નાખી પથ્થરો કાઢી ઈજારદાર સામે કાર્યવાહી હાથ ધરી..
ડાંગ જિલ્લા નાં હુંબાપાડા ગામનાં ગ્રામજનો સમક્ષ ઈજારદારે માફી માંગી ગુણવત્તાલક્ષી કામગીરી કરવાની બાંહેધરી આપતા બપોરબાદ કામ ફરી શરૂ કરવામાં આવ્યુ. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આદિવાસી જનજીવનને પાણીની સુખાકારી સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ દહાડે કરોડો રૂપિયાનાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.પરંતુ ડાંગ જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓની ખાયકી અને બંદરબાટ નિતીનાં પગલે સિંચાઈની અમુક યોજનાઓ ક્યાંક કાગળ પર અથવા ક્યાંક અધૂરી તો ક્યાંક ભ્રષ્ટાચારથી ખદબદતી જોવા મળે છે.
અંતરીયાળ વિસ્તારમાં ચેકડેમોનાં નિર્માણ અને રીપેરની કામગીરીમાં અધિકારીઓ અને ઈજારદારની મિલીભગતમાં ગુણવત્તા વગરની સિમેન્ટ,સ્ટીલ અને રેતીની જગ્યાએ ગ્રીટ તથા કપચીની જગ્યાએ મસ મોટા પથ્થરો નાખી ભય વગરનો ભ્રષ્ટાચાર જ આચરવામાં આવતા અમુક ચેકડેમો પ્રથમ વરસાદમાં જ લીકેજ થઈ જતા હોય છે.ડાંગ જિલ્લામાં ચેકડેમોનાં બાંધકામ ગુણવત્તા વગર થતા સરકારની કરોડોની યોજનાઓ પાણીની માફક વહી જાય છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હુંબાપાડા ગામે અંબિકા નદી પર કરોડોનાં ખર્ચે નિર્માણ થઈ રહેલ ચેકડેમનાં સાઈડ કોંક્રીટ બાંધકામમાં ઈજારદાર દ્વારા રાત્રીનાં સમયે જેસીબી દ્વારા મોટા પાયે પથ્થરો નાખવાની ઘટના સામે આવી છે.થોડા સમય પહેલા ડાંગનાં હુંબાપાડા ગામનાં અંબિકા નદી પર દમણગંગા યોજના હેઠળનો અંદાજીત 7થી 8 કરોડ રૂપિયાનાં માતબર રકમનો ચેકડેમ મંજુર થયો હતો.અને હાલમાં આ ચેકડેમનાં પાયા અને સાઈડ બાંધકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
અહી ગતરોજ રવિવારે રાત્રીનાં 9 વાગ્યાનાં અરસામાં ઈજારદાર દ્વારા સાઈડ બાંધકામમાં જેસીબીથી મસમોટા પથ્થરો નાખતા ગ્રામજનોએ સ્થળ પર પોહચી જઈ હલ્લો બોલાવ્યો હતો.
અને હુંબાપાડા ગામનાં ગ્રામજનોએ રાત્રીનાં અરસામાં ઉચ્ચસ્તરે ઉપલા અધિકારીઓને જાણ કરી કામ બંધ કરાવતા દોડધામ મચી જવા પામી હતી.ગ્રામજનોની ફરીયાદનાં પગલે સોમવારે વહેલી સવારે ડાંગ જિલ્લાનાં દમણગંગા વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશભાઈ બિરારી તથા તેઓની ટીમ હુંબાપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ ચેકડેમનાં સ્થળે દોડી ગઈ હતી.અને ઈજારદારનો રીતસરનો ઉઘડો લીધો હતો.અહી દમણગંગા વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશભાઈ બિરારીએ ગ્રામજનોની રૂબરૂમાં સાઈડ પરનું બાંધકામ જેસીબી વડે ખોદી કાઢી તેમાંથી પથ્થરો દૂર કરાવ્યા હતા.અહી ચેકડેમનાં સાઈડ બાંધકામમાંથી મસમોટા પથ્થરો નીકળતા હાજર અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.બાદમાં અહી ઈજારદારે પોતાની ભૂલ સ્વીકારી હવે પછીથી ગુણવત્તા સભર કામગીરી કરવાની ગ્રામજનોને ખાતરી આપતા ગ્રામજનોએ ફરી કામ શરૂ કરાવ્યુ હતુ.
ત્યારે આવી ભ્રષ્ટાચારી એજન્સી અને બેજવાબદાર અધિકારીઓ સામે જિલ્લાનાં સમાહર્તા કડક પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.
આ બાબતે હુંબાપાડા ગામનાં જાગૃત આગેવાન ગુલાબભાઈ ભોયેએ જણાવ્યુ હતુ કે હુંબાપાડા ગામ સહિત આજુબાજુનાં 5 થી 6 ગામડાઓને પાણીની સુખાકારી યોજના મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોનાં ખર્ચનો ચેકડેમ મંજુર કર્યો છે.જે બાબતની અમોને ખુશી છે.પરંતુ અહી ઈજારદાર દ્વારા રાત્રીનાં સમયમાં સાઈડનાં માસ કોન્ક્રીટનાં બાંધકામમાં મસમોટા પથ્થરો નાખતા ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતા.જેથી અમો તથા ગ્રામજનોએ ચેકડેમનું કામ બંધ કરાવ્યુ હતુ.અને ઉપલાકક્ષાએ જાણ કરી હતી.આજરોજ દમણગંગા વિભાગનાં અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોની રૂબરૂમાં પથ્થરો કઢાવી નાખી અમોને વાચા આપી છે.અને ઈજારદાર દ્વારા હવે પછી ચેકડેમની સંપૂર્ણ કામગીરી ગુણવત્તાયુકત કરવાની બાંહેધરી આપી છે.જેથી કામ ફરી રાબેતામુજબ ચાલુ થયુ છે.અહી ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને પાણી સંગ્રહ થશે તો ગામ સહિત આસપાસનાં ગામડાઓની કાયાપલટ થશે તેવો અમારો આશય છે…