ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની હવે શરૂઆતની તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. જોકે, કોરોના સંક્રમણને કારણે ભાજપ સરકારના કાર્યક્રમો રદ થયા છે, પરંતુ હવે સંગઠનની બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે બીજી બાજુ કોંગ્રેસે પણ તેના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં ચૂંટણીની નવેસરથી તૈયારીઓ શરૂ કરી છે જેમાં સોસિયલ મીડિયા થકી વિધાનસભાના ઉમેદવારોની શોધખોળ શરૂ થઇ છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સત્તા પક્ષની નીતિઓના વિરોધમાં લોકોને સાથે રાખીને મજબૂત લડત આપવામાં આવશે. આ અભિયાનમાં જોડાવવા એક નંબર તથા લિંક જાહેર કરવામાં આવી છે, જેના દ્વારા લોકો જોડાઈ શકશે.
ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આગામી ૨૦૨૨ની ચૂંટણીને લઈને લોકો સુધી પહોંચવા અને વધુમાં વધુ લોકોને કોંગ્રેસમાં જોડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મૌલિક વિચારો, અસરકારક લેખન શક્તિ અને આગવી વાકછટા દ્વારા કોંગ્રેસ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડવા અને સત્તા પક્ષની જનહિત વિરોધી નીતિઓના વિરોધમાં મજબૂત લડત આપી શકે તેવા લોકો માટે પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાનમાં જોડાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર મિસ્કોલ કરીને લોકો જોડાઈ શકે છે. ઉપરાંત એક લિંક પણ જાહેર કરી છે, જેમાં જઈને લોકો પોતાનું નામ, સરનામું, કોંગ્રેસ પક્ષમાં હોય તો હોદ્દો, જિલ્લો તાલુકો, વ્યવસાય, સોશિયલ મીડિયાની લિંક ભરીને ફોર્મ ભરી શકશે.