જામખંભાળિયામાં બે દિવસ પહેલા સાંસદ પૂનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાયન્સ રીન્યુ ન કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પૂનમ માડમની સુચના મુજબ રજા પર મોકલી આપવામાં આવ્યા છે. ચિંતન વૈષ્ણવ 2011માં મામલતદાર તરીકે નિમણુક પામ્યા બાદમાં તેમની બદલી હળવદ ખાતે થઈ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદે હોટેલ ખડકી દેનારા અને તત્કાલીન ભાજપના ધારાસભ્ય જયતિ કવાડીયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરી નાખવામાં આવી.
મહેસાણામાં ચિંતન વૈષ્ણવે ટેક્સ ન ભરનારી, બાળ મજુરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને સીલ મારી દીધું પણ આ રેસ્ટોરન્ટના એક મોટા મંત્રીના સગા અથવા તો નજીકના વ્યક્તિની હોવાથી વૈષ્ણવની બદલી પ્રથમ બનાસકાંઠા અને ત્યાંથી ડાંગના સુબીર તાલુકામાં થઈ. ત્યારબાદ તેમને માળિયા (મીયાણા) મુકવામાં આવ્યા. જ્યાં પણ એક સાબુના પ્લાન્ટને મજૂરોની સેફ્ટી અને કેમિકલના પ્રદુષણના મુદ્દે સીલ કરી દેવતા તત્કાલીન ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા તેમની બદલી ફરીથી ડાંગ કરી દેવામાં આવી.
જોકે, ત્યારબાદ સીલ કરાયેલા સાબુના કારખાનામાં સેફ્ટીના અભાવે બે મજુરોના પણ મોત નીપજ્યા હતા. આમ સાત વર્ષમાં કુલ 10 ટ્રાન્સફર કરી દેવામાં આવી આટલું પુરતું ન હોય તેમ તેમની બેચના 8 મામલતદાર સિવાય બધાને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પ્રમોશન બે વર્ષ પહેલા મળી ગયું છે. બાકીના 8માં કોઈ પણ એસીબી થયેલી છે, કોઈના પર ચાર્જસીટ અથવા તો કોઈ પર ઇન્કવાયરી ચાલે છે. જ્યારે ચિંતન વૈષ્ણવ પર આમાંનું કશું જ ન હોવા છતાં હજુ સુધી તેમને પ્રમોશનથી વંચિત રખાયા છે.
પ્રમાણિક ઓફિસરને રાજકીય નેતાઓ જ કામ કરવા દેતા નથી. નેતાઓ પોતાના હજુરિયાઓને સાચવવા આવા પ્રમાણિક ઓફિસરને પરેશાન કરતા હોય છે તે આના પરથી સાબિત થઈ રહ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં જ્યસુખ સિયાનીએ પોસ્ટ મૂકી છે જે વાયરલ બની ચૂકી છે.