Cold drinks ban : ગુજરાતનું અનોખું ગામ, જ્યાં 20 વર્ષથી ઠંડા પીણાંના વેચાણ પર છે પ્રતિબંધ!
Cold drinks ban : જ્યાં એક તરફ સમગ્ર ગુજરાત ગરમીથી તપી રહ્યું છે અને ઠંડા પીણાં વગર ઉનાળો અસહ્ય લાગે છે, ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું ‘ગોવના’ ગામ એવામાં ઉદાહરણરૂપ છે – જ્યાં છેલ્લાં 20 વર્ષથી એક પણ ઠંડુ પીણું વેચાતું નથી!
આ એકમાત્ર એવું ગામ છે જ્યાં 2004થી સ્થાનિક સમિતિએ ઠંડા પીણાંના વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ મૂકી દીધો છે. ગામના વડીલોએ બાળકો બિમાર ન પડે તે માટે સમાજહિતમાં આ નિર્ણય લીધો અને સમગ્ર ગામે તેને સ્વીકારી લીધો છે.
બાળકોના સ્વાસ્થ્ય માટે જાગૃત ગામવાસીઓ
ગામની વસ્તી આજના દિવસે લગભગ 1500 જેટલી છે, પણ અહીં ના બાળક, ના યુવક કે વયસ્ક – કોઈ પણ પ્રકારનું ઠંડું પીણું પીતા નથી. છાસ, ઘરેલું શરબત કે ફળોના રસ સિવાય બરફગોળા, આઈસ્ક્રીમ, પેપ્સી કે ગુલ્ફી જેવી કોઇ પણ ચીજ અહીં ઉપલબ્ધ નથી.
ઠંડા પીણાંમાં રહેલા સેકરીન, આર્ટિફિશિયલ કલર અને કેમિકલ ઘટકો બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે – એ જાણીને ગામના આગેવાનોએ 2004માં એક બેઠકમાં આ મુદ્દે ઠરાવ કર્યો અને ત્યારથી આજદિન સુધી આ નિયમ યથાવત છે.
દુકાનદારોનો સહયોગ અને દંડની જોગવાઈ
ગામના દુકાનદારો પણ આ નિર્ણયને સહર્ષ સ્વીકારીને અપનાવતાં જોવા મળે છે. દુકાનદારોમાંથી એક, દિપકભાઈ ઠક્કરે જણાવ્યું કે, “આ ગ્રામ્ય નિયમ village health માટે છે. અમે કોઈ પણ પ્રકારનું ઠંડું પીણું વેચતા નથી અને જો કોઈ તેનો ઉલ્લંઘન કરે તો રૂ.1000નો દંડ પણ ભરવો પડે.”
બહારથી આવનારા ફેરિયાઓને પ્રવેશ નહીં
ઉનાળામાં બરફગોળા કે આઈસ્ક્રીમ વેચતા ફેરિયાઓ જ્યારે ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગ્રામજનો તેમને ગામની બહાર જ રોકી લે છે. બાળકો પણ બાળહઠ કરતાં નથી – કેમ કે બાળકો જાણે છે કે આ નિયમ તેમના ભવિષ્ય માટે બનાવાયો છે.
આજનું પરિણામ – સ્વસ્થ ગામ, નિરોગ બાળકો
ગામના લોકોના મત મુજબ, છેલ્લા બે દાયકામાં આ નિર્ણયથી ગામમાં બીમારીઓનું પ્રમાણ ઘટ્યું છે. બાળકો વધુ તંદુરસ્ત છે અને દવાઓની જરૂરિયાત પણ ઓછી પડી છે.